ગુજરાતીઓએ રૂ. 23 હજાર કરોડનું સોનું ગિરવે મૂક્યું, ઉચ્ચ-મધ્યમ વર્ગ ગોલ્ડ લોન તરફ ઝડપથી વળ્યો

ગુજરાતમાં નાણાકીય કટોકટી અને આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સોનું ગિરવે મૂકીને લોન મેળવવાનો ટ્રેન્ડ અભૂતપૂર્વ સ્તરે પહોંચ્યો છે. તાજેતરના નાણાકીય આંકડાઓ અનુસાર, રાજ્યના નાગરિકોએ વિવિધ બેંકો અને ફાયનાન્સ કંપનીઓમાં અંદાજે 23,381 કરોડ રૂપિયાની કિંમતનું સોનું ગિરવે મૂકીને ગોલ્ડ લોન મેળવી છે. વ્યાપાર-ધંધામાં રોકડની ખેંચ, મોંઘવારી, તબીબી કટોકટી તેમજ બાળકોના શિક્ષણના ખર્ચને પહોંચી વળવા માટે મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગ ગોલ્ડ લોન તરફ ઝડપથી વળ્યો છે.
સરળ પ્રક્રિયા અને સોનાના ઊંચા ભાવથી લોન લેવી બની સુલભ
અન્ય લોનની સરખામણીએ ગોલ્ડ લોન મેળવવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને અત્યંત ઓછા કાગળિયાંવાળી હોવાથી લોકો આ વિકલ્પને વધુ પસંદ કરી રહ્યા છે. સરકારી અને ખાનગી બેંકો ઉપરાંત નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ (NBFC) દ્વારા આક્રમક માર્કેટિંગ અને આકર્ષક વ્યાજદરો ઓફર કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગોલ્ડ લોનના ધિરાણમાં નોંધપાત્ર ટકાવારીનો વધારો જોવા મળ્યો છે. સોનાના આસમાને આંબતા ભાવોને કારણે ગ્રાહકોને પોતાના સોના સામે વધુ રકમની લોન મળી રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ સોનાની લોનના ડિફોલ્ટરની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
સામાજિક માનસિકતામાં મોટો બદલાવ
પર્સનલ અને વ્હિકલ લોન કરતાં ગોલ્ડ લોન આગળ
રાજ્યમાં લોન મેળવવાની પસંદગીમાં લોકોમાં પ્રથમ ક્રમે ગોલ્ડ લોન રહી છે. ગોલ્ડ લોન બાદ જ વ્યક્તિગત લોન અને વાહન લોનનો ક્રમ આવે છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે આર્થિક જરૂરિયાત કે કટોકટી સમયે સોનું ગુજરાતીઓ માટે સૌથી ઝડપી અને ભરોસાપાત્ર આધાર સાબિત થઈ રહ્યું છે.

