અમદાવાદના લલિતકલા અકાદમી ભવન પાછળ થયો કરોડોનો ખર્ચ અને હવે તાળાં, 3 વર્ષથી કલાકારો બેઘર

અમદાવાદના લલિતકલા અકાદમી ભવન પાછળ થયો કરોડોનો ખર્ચ અને હવે તાળાં, 3 વર્ષથી કલાકારો બેઘર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં આવેલું ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીનું રવિશંકર રાવળ કલાભવન આજે સરકારી તંત્રની ઉદાસીનતા અને આયોજનના અભાવનું જીવંત ઉદાહરણ બની ગયું છે. એક સમયે કલાકારોના સર્જન, પ્રદર્શનો અને કલાપ્રવૃત્તિઓથી ધમધમતું આ ભવન છેલ્લા 3 કરતાં વધુ વર્ષથી બંધ હાલતમાં પડ્યું છે. છેલ્લા 1 કરતાં વધારે વર્ષથી ઈમારતની બહાર 'આ બિલ્ડિંગ ભયગ્રસ્ત છે' તેવી તકતી લગાવીને કલાકારો અને મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરી દેવાયો છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જોખમી જાહેર કરાયેલી આ ઇમારતને તોડી પાડવાની (ડિમોલિશન) કામગીરી પણ હજુ સુધી શરૂ કરાઈ નથી.

નવા ભવનનો પ્લાન અધૂરો, કલાકારોને ગાંધીનગર સુધી લાંબા થવું પડે છે

જાહેરાત

એક તરફ રાજ્ય સરકાર દ્વારા અંદાજિત 96 કરોડ રૂપિયાના ખર્ચે 14 માળનું આઈકોનિક બિલ્ડિંગ બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે, તો બીજી તરફ 3 વર્ષથી બંધ પડેલા આ ભવનના નવા બાંધકામનો ફાઈનલ પ્લાન પણ હજુ તૈયાર થયો નથી. આ સ્થિતિને કારણે ગુજરાતના હજારો કલાકારોને પોતાના પ્રદર્શનો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ તેમજ કલાના પ્લેટફોર્મની જાણકારી અને સુવિધાઓ મેળવવા માટે ગાંધીનગર સુધી લાંબા થવું પડી રહ્યું છે.

કોવિડ પહેલાં રિનોવેશન પાછળ 2.5 કરોડ ખર્ચાયા, તો હવે ડિમોલિશન કેમ?

આ સમગ્ર આયોજનમાં સૌથી ગંભીર પ્રશ્ન એ ઊભો થયો છે કે કોવિડ પહેલાં આ જ ભવનની આર્ટ ગેલેરીઓનું 2.5 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. જો ઇમારત પહેલેથી જ જર્જરિત હતી અને તેને તોડીને નવી બનાવવાની યોજના હતી, તો પછી રિનોવેશન પાછળ આટલી મોટી રકમ શા માટે ખર્ચવામાં આવી? શું તે સમયે ભવનની જર્જરિત સ્થિતિની જાણ નહોતી? અને જો જાણ હતી, તો 2.5 કરોડના આ ખર્ચની જવાબદારી કોની? આ મુદ્દે કલાકારોમાં ચર્ચા છે.

અકાદમીના સચિવનું નિવેદન: 'કાચો પ્લાન તૈયાર, ડિઝાઈનનું કામ બાકી'

આ અંગે વાત કરતાં લલિતકલા અકાદમીના સચિવ મહેશ દેસાઈએ જણાવ્યું હતું કે, કલાગુરુ રવિશંકર રાવળની પ્રેરણાથી 1961થી ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી કાર્યરત છે, જેના અંતર્ગત ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફિક આર્ટ અને ફોટોગ્રાફી સહિતની કલાઓને પ્રોત્સાહન અપાય છે. અકાદમીનું બિલ્ડિંગ જર્જરિત થતાં 96 કરોડના ખર્ચે નવું આઈકોનિક બિલ્ડિંગ બનાવવાનું આયોજન છે. હાલમાં બિલ્ડિંગનો કાચો પ્લાન તૈયાર છે, પરંતુ કોર ડિઝાઈન અને બહારના દેખાવની ડિઝાઈનનું કામ બાકી છે. હાલની ઇમારત તોડીને નવું ભવન આકાર પામશે, જોકે તે ક્યારે બનીને તૈયાર થશે તે હાલ નક્કી નથી.

સહાય અપાય છે પણ પ્રદર્શન માટે પોતાની ગેલેરી જ બંધ, મોટા ભાગની યોજનાઓ ઠપ

અકાદમી દ્વારા વર્ષ 2024-25માં 100 જેટલા કલાકારોને ગ્રાન્ટ સહાય આપવામાં આવી હતી, જેમાં રાજ્યમાં પ્રદર્શન માટે 24 હજાર, રાજ્ય બહાર પ્રદર્શન માટે 50 હજાર અને વિદેશમાં પ્રદર્શન માટે 1 લાખ રૂપિયાની સહાયની જોગવાઈ છે. એક તરફ સરકાર કલાકારોને પ્રદર્શન માટે આર્થિક સહાય આપે છે, પરંતુ બીજી તરફ તેમના ચિત્ર સર્જનને લોકો સુધી પહોંચાડવા માટેની પોતાની ગેલેરીઓ ધરાવતું કલાભવન જ બંધ છે. વધુમાં, એક સમયે અકાદમીમાં 20 જેટલી યોજનાઓ હેઠળ કલાકારોને લાભ મળતા હતા, જેમાંથી આજે મોટા ભાગની યોજનાઓ બંધ થઈ ગઈ છે.

96 કરોડના નવા આઈકોનિક ભવનમાં શું હશે સુવિધાઓ?

સરકારના દાવા મુજબ, નવું બનનારું 14 માળનું આઈકોનિક ભવન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જેમાં નીચે મુજબની વ્યવસ્થાઓ ઊભી કરાશે:

  • 10થી 14 જેટલી વિશાળ આર્ટ ગેલેરી
  • આર્ટિસ્ટ ઓડિટોરિયમ
  • કેફે એરિયા અને બેઝમેન્ટ પાર્કિંગ

જોકે, કલાકારો માટે મુખ્ય મુદ્દો માત્ર નવું બિલ્ડિંગ બનાવવાનો નથી, પરંતુ છેલ્લા 3 વર્ષથી તેમના જ શહેરમાં મળતું કલામંચ છીનવાઈ ગયું છે તેની પીડા વધુ ગંભીર છે

આ સમાચાર શેર કરો

જાહેરાત