Video: કાતિલ ઠંડી સામે અબોલ જીવોને રક્ષણ: અમદાવાદના કાંકરિયા ઝૂમાં ૨,૧૦૦થી વધુ પશુ-પક્ષીઓ માટે હીટર અને બ્રુડરની વ્યવસ્થા કરાઈ

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતા જ અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં અબોલ જીવોને ઠંડીથી બચાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે. ઝૂમાં રહેતા ૨ હજાર ૧૦૦થી વધુ પશુ-પક્ષીઓ અને સરીસૃપોને હૂંફ મળી રહે તે માટે હીટર અને બ્રુડર સહિતની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
કાતિલ ઠંડી અને ઠંડા પવનથી વન્યજીવોને રક્ષણ આપવા કાંકરિયા ઝૂ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. મોટા પ્રાણીઓના પાંજરા પાસે ૧૩ રૂમ હીટર અને ઇન્ફ્રારેડ લેમ્પ મૂકવામાં આવ્યા છે, જ્યારે નાના પક્ષીઓ માટે ૨૫ બ્રુડર, સૂકા ઘાસની પથારી અને ગ્રીન નેટની વ્યવસ્થા કરાઈ છે. સરીસૃપો માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે, જેમાં સાપ અને કાચબાને ગરમાવો આપવા ૩૫ માટલા નીચે બલ્બ ગોઠવાયા છે અને લાકડાના બોક્સ તેમજ માળા તૈયાર કરાયા છે.
આ ઉપરાંત, ઠંડીમાં પાચનક્રિયા ધીમી પડતી હોવાથી મગરના ખોરાકમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પશુ-પક્ષીઓમાં શરદી, ઉધરસ કે કોઈ ચેપ ન લાગે તે માટે જરૂરી દવાઓ સાથે મેડિકલ ટીમને પણ સતત સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આમ, કાંકરિયા ઝૂમાં અબોલ જીવો માટે અત્યંત હૂંફાળું વાતાવરણ તૈયાર કરાયું છે.









