અમદાવાદના રિંગરોડ પર આવેલી હોટલમાં જમવાની આડમાં ચાલતી હતી 'મહેફિલ'! રામોલ પોલીસે દરોડો પાડતા જ નબીરાઓમાં મચી નાસભાગ, જુઓ કોણ-કોણ ઝડપાયું?

અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર રામોલ ટોલટેક્સ પાસે આવેલી 'રાજ ફ્રાય' હોટલમાં ખાણીપીણીની આડમાં ચાલતી દારૂની મહેફિલ પર રામોલ પોલીસે દરોડો પાડી હોટલ માલિક સહિત 11 શખસોની ધરપકડ કરી છે. હોટલ માલિક ગ્રાહકોને બોલાવીને જમવાની સાથે વિદેશી દારૂ પીરસતો હતો. હાલ પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હોટલની આડમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, 11 ઝડપાયા
પોલીસ ફરિયાદ અનુસાર, રામોલ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે બાતમી મળી હતી કે, હોટલનો માલિક રૂબેદઆલમ લાતીકુલ(રૂબેદ આલમ શેખ) ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી બહારથી આવતા ગ્રાહકોને દારૂ અને ખાવાની ચીજવસ્તુઓ પૂરી પાડે છે. પોલીસની ટીમ અચાનક સ્થળ પર પહોંચતા હોટલ માલિક અને દારૂ પીવા માટે એકઠા થયેલા શખસોમાં નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસને સ્થળ પર તપાસ કરતાં 10 ગ્રાહકો દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે દારૂ પીરસનાર હોટલ માલિક સહિત તમામ 11 આરોપીઓને કોર્ડન કરીને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં વસ્ત્રાલ, ઓઢવ, ઘોડાસર, ખોખરા, રામોલ અને ન્યુ મણિનગર વિસ્તારના રહીશોનો સમાવેશ થાય છે. રામોલ પોલીસે તમામ 11 શખસો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેમની અટકાયત કરી છે. હાલ પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
દારૂની મહેફિલમાં ઝડપાયેલા આરોપીઓ
- રૂબેદઆલમ લાતીકુલ (ઉં.32, રહે. રાજફ્રાય ઢાબા, રામોલ રિંગરોડ - હોટલ માલિક)
- બ્રિજેશ નાગેન્દ્રભાઈ પટેલ (ઉં.31, રહે. સ્વાગત પાર્ક સોસાયટી, વસ્ત્રાલ)
- મોહિત વત્સલભાઈ મહેતા (રહે. એવલોન કોર્ટયાર્ડ, ઘોડાસર)
- જયમીન જયેન્દ્રભાઈ પટેલ (ઉં.40, રહે. શ્રીચરણ, વસ્ત્રાલ)
- બ્રિજેશ મનહરનભાઈ પટેલ (ઉં.30, રહે. યોગેશ્વર પાર્ક, રામોલ)
- લોકેશ કિશોર સતવાણી (ઉં.33, રહે. કર્ણાવતી સ્કાયલેન્ડ, ન્યુ મણિનગર)
- રાજન જયેન્દ્રભાઈ પટેલ (ઉં.32, રહે. શ્રી શરણ, વસ્ત્રાલ)
- કિશન ભરતભાઈ પટેલ (ઉં.30, રહે. રાજેશ પાટેક સોસાયટી, ખોખરા)
- સજીત શશીધરણ પીલ્લઈ (ઉં.33, રહે. સૂર્યમ એલીગન્સ, વસ્ત્રાલ)
- રજત પ્રવીણસિંહ ચાવડા (ઉં.31, રહે. કમલેશ પાર્ક સોસાયટી, ઓઢવ)
- સુબી રાજનભાઈ ઇઝવા (ઉં.29, રહે. મણીલક્ષ્મી આદીનાથનગર, ઓઢવ)













