અમદાવાદમાં ડિલિવરી બોયની હાઈટેક ચોરી: મોબાઈલ કાઢી બોક્સમાં પાવર બેંક અને ફેસવોશ મૂક્યા, કંપનીને ₹6.6 લાખનો ચૂનો

ઓનલાઈન શોપિંગના વધતા ચલણ વચ્ચે ગ્રાહકોના વિશ્વાસ સાથે છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના નવા વાડજ વિસ્તારમાં સામે આવી છે. અહીં એક લોજિસ્ટિક્સ કંપનીમાં કામ કરતા ડિલિવરી એક્ઝિક્યુટિવે મોંઘાદાટ મોબાઈલ ફોન સહિતની કિંમતી વસ્તુઓ પાર્સલમાંથી કાઢી લઈને તેની જગ્યાએ પાવર બેંક, ફેસવોશ ક્રીમ, પાકીટ અને પૂંઠાના ટુકડા મૂકી દીધા હતા. આરોપીએ બે દિવસમાં કુલ ₹6.6 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, કંપનીના એન્ફોર્સમેન્ટ ઓફિસરે રાજસ્થાનના જાલોર જિલ્લાના વતની ડિલિવરી બોય સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી નિર્ણયનગર વિસ્તારમાં આવેલી બિલ્ડિંગમાંથી કાર્યરત લોજિસ્ટિક્સ કંપનીમાં કામ કરતો હતો.
ચાર મોંઘા મોબાઈલની જગ્યાએ મૂક્યા બિનજરૂરી સામાન
ગત 27 ઓગસ્ટે આરોપી ડિલિવરી માટે કંપનીના સ્ટોરમાંથી અનેક પાર્સલ લઈને નીકળ્યો હતો. જોકે, તેણે ચાર મોંઘા મોબાઈલ ફોનનાં પાર્સલ ડિલિવર ન થયાં હોવાનું દર્શાવીને સ્ટોરમાં પરત જમા કરાવ્યાં હતાં. સ્ટોરના કર્મચારીઓએ બોક્સ ખોલીને તપાસ કરતાં અંદરથી મોબાઈલ ફોન ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ ગૂગલ પિક્સેલ (Google Pixel) સહિત આશરે ₹3.9 લાખની કિંમતના ચાર મોબાઈલ ફોન કાઢી લીધા હતા. તેના બદલે બોક્સમાં પાકીટ, પાવર બેંક, ફેસવોશ ક્રીમ અને કાર્ડબોર્ડના રોલ મૂકી દીધા હતા.
25 પાર્સલ લઈને ગયો, પછી મોબાઈલ કર્યો સ્વીચ ઓફ
આરોપીએ બીજા દિવસે પણ ચોરીને અંજામ આપ્યો હતો. બપોરે આશરે 1 વાગ્યે તે 25 પાર્સલ લઈને ડિલિવરી માટે નીકળ્યો હતો, પરંતુ સાંજ સુધી પરત ફર્યો નહોતો. તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતાં કંપનીના કર્મચારીઓને શંકા ગઈ હતી. સ્ટોર મેનેજરે CCTV ફૂટેજ તપાસતાં સવારે 11:30 વાગ્યાની આસપાસ આરોપી પોતાની બેગમાં અન્ય આઠ પાર્સલ મૂકતો જોવા મળ્યો હતો. આ પાર્સલમાં વિવિધ બ્રાન્ડના છ મોબાઈલ ફોન, એક કાંડા ઘડિયાળ અને શૂઝ હતાં, જેની કિંમત આશરે ₹2.7 લાખ થાય છે. આમ, બંને દિવસની ચોરીમાં કંપનીને કુલ ₹6.6 લાખનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. CCTV ફૂટેજ અને અન્ય વિગતોના આધારે વાડજ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરી છે.













