Ahmedabdad news: V.S. કલિનિકલ રીસર્ચ કૌભાંડ મામલો, ડો. મનીષ પટેલ, ડો.દેવાંગ રાણા સહીતના આરોપીઓ સામે ચાર્જશીટ રીપોર્ટ

અમદાવાદની ૯૪ વર્ષ જુની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી. એસ.હોસ્પિટલમાં આચરવામા આવેલા કિલિનિકલ રીસર્ચ કૌભાંડની દેશ વ્યાપી ચર્ચા થવા પામી હતી. આ કૌભાંડમાં નાણાંકીય ગેરરિતી આચરનાર અને ફરજમા બેદરકારી દાખવવવા બદલ પૂર્વ સુપ્રિટેન્ડન્ટ ડોકટર મનીષ પટેલ, સસ્પેન્ડેડ ડોકટર દેવાંગ રાણા સહીતના આરોપીઓ સામે ચાર્જશીટ રીપોર્ટ તૈયાર કરાયો છે.૧૩ તબીબોએ તેમના ખાતામા જમા થયેલી રકમ હોસ્પિટલને પરત કરી છે.જયારે સૌથી વધુ રકમ લેનારા ડોકટર ધૈવત શુકલ તથા ડોકટર દેવાંગ રાણાએ તેમના ખાતામા જમા થયેલી રકમ હોસ્પિટલમા જમા કરાવી નહીં હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે. હોસ્પિટલના હાલના ઈન્ચાર્જ મેડીકલ સુપ્રિેન્ડન્ટ ડોકટર પારુલ શાહ ઉપરાંત આર.એમ.ઓ.કૌશિક બેગડા તથા પ્રતિક પટેલને શોકોઝ નોટિસ અપાઈ છે.
હોસ્પિટલમાં કલિનિકલ રીસર્ચ કૌભાંડ થયુ હોવાની વિગત બહાર આવતા કોર્પોરેશન તરફથી તપાસ સમિતિની રચના કરવામા આવી હતી.સમિતિની પ્રાથમિક તપાસમા તત્કાલિન હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોકટર મનીષ પટેલ દ્વારા ન્યુ ડ્રગ્સ એન્ડ કલિનિકલ ટ્રાયલ-૨૦૧૯ના ટ્રાયલ રુલનુ પાલન કરવામા નહીં આવ્યુ હોવાની વિગત સામે આવી હતી.સમગ્ર કિલિનિકલ ટ્રાયલ કૌભાંડને લઈ ૩૦૯ પેજના પુરાવા અને ૫૦૮ ઈ-મેઈલ સહીત અન્ય પુરાવા સામેલ કરવામા આવ્યા છે.ડોકટર મનીષ પટેલનુ એક વખત નિવેદન લેવામા આવ્યુ છે.સસ્પેન્ડેડ ડોકટર દેવાંગ રાણા સામે સમન્સ છે.
ડોકટર મનીષ પટેલને ત્રણ વખત બોલાવીને ઉલટ તપાસ કરવામા આવી હોવાનુ જાણવા મળે છે. દેવાંગ રાણાની એએમસી મેટમાંથી વી.એસ.હોસ્પિટલમાં કલિનિકલ ટ્રાયલ માટે નિમણૂંક થાય એ પહેલાં તેમણે કલિનિકલ ટ્રાયલ માટેના એમ.ઓ.યુ. ઉપર સાઈન કરી દીધી હતી.દેવાંગ રાણાના પત્નીના ખાતામા રુપિયા ૧.૪૫ લાખ જમા કરાવાયા હોવાના પુરાવા તપાસ સમિતિ સામે આવ્યા છે.તેમના પારીવારીક ખાતામા પણ રુપિયા ૩.૧૫ લાખ કંપનીએ તેમની મૌખિક સુચનાથી જમા કરાવ્યા હતા.૧૧ ટ્રાયલમાં તેઓ અનઅધિકૃત હોવા છતાં પણ રુપિયા ૧૧.૧૫ લાખ પોતાના ખાતામા લીધા હતા.ડોકટર પ્રિયંકા રાણાના ખાતામા ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીમા રુપિયા ૩.૫૩ લાખ જમા થયા હતા.દરેક કલિનિકલ ટ્રાયલ માટે જુદી જુદી શરતો નકકી કરાઈ હતી.
કલિનિકલ ટ્રાયલમાં કોને કેટલી રકમ મળી
નામ મળેલ રકમ(લાખમાં)
ડોકટર મનીષ પટેલ ૩.૨૫
ડોકટર દેવાંગ રાણા ૫૬.૦૪
ડોકટર ધૈવત શુકલ ૯૧.૮૩
ડોકટર પાર્થ શાહ ૪.૨૦
ડોકટર શાલિન શાહ ૦.૧૦
ડોકટર સંદર્ભ પટેલ ૦.૫૫
ડોકટર ખુશાલી શાહ ૨.૯૩
ડોકટર દિશા પટેલ ૩.૭૫
ડોકટર રાજવી શાહ ૪.૬૩
ડોકટર કૃણાલ સથવારા ૮.૨૫
ડોકટર યાત્રી પટેલ ૫.૪૨
ડોકટર રોહન પટેલ ૦.૩૫
ડોકટર વૈશલ શેઠ ૪.૫૦
ડોકટર રવિન્દ્ર ઠકકર ૧.૨૬
ડોકટર દર્શિલ શાહ ૦.૨૦
હોસ્પિટલમાં ૬૫માંથી ૪૮ ટ્રાયલ પુરી થઈ
હોસ્પિટલમાં રીસર્ચ કૌભાંડ બહાર આવ્યુ એ અગાઉ વર્ષ-૨૦૨૦થી ૨૦૨૫ સુધીમા ૬૫ કલિનિકલ રીસર્ચના કામ હોસ્પિટલને મળ્યા હતા. આ પૈકી ૪૮ ટ્રાયલ પુરી કરાઈ હતી.૧૦ ટ્રાયલ ચાલી રહી હતી.પાંચ ટ્રાયલની કામગીરી શરુ થઈ નહતી.જયારે બે ટ્રાયલ નહીં કરવા નિર્ણય કરાયો હતો.

