SD Pay અને Apna Pay વાપરો છો તો ચેતજો! દૈનિક વળતરના ચક્કરમાં 634 કરોડનું ફૂલેકું, અમરેલી SITએ ડિરેક્ટર સહિત 6 ને દબોચ્યા!

સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ટૂંકા સમયમાં અસાધારણ નાણાકીય વળતરની લાલચ આપી રાજ્યભરના 1.5 લાખથી વધુ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરનારી ગેંગનો અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. SD Pay અને Apna Pay નામની મોબાઇલ ઍપ્લિકેશન મારફતે આચરવામાં આવેલા અંદાજે 634 કરોડ રૂપિયાના નાણાકીય કૌભાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT) દ્વારા કંપનીના ડિરેક્ટર સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
દૈનિક આકર્ષક વળતર અને 15 લેયર રેફરલ બોનસની આપી લાલચ
મળતી માહિતી અનુસાર, આરોપીઓએ 'S.D. Pay' ઍપ્લિકેશન દ્વારા લોકો પાસે 1 હજાર રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયાથી વધુ રકમનું રોકાણ કરાવી દૈનિક 0.15%થી 0.30% સુધીનું વળતર આપવાની જાહેરાતો કરી હતી. આ ઉપરાંત, 15 અલગ-અલગ લેયર સુધી 3% થી 30% સુધીના રેફરલ બોનસની લાલચ આપી લોકોમાં વિશ્વાસ ઊભો કર્યો હતો. પ્લે સ્ટોર પર 10 લાખથી વધુ ડાઉનલોડ ધરાવતી આ એપ દ્વારા આરોપીઓએ પોતાના રેફરલથી જ અંદાજે દોઢથી પોણા બે લાખ લોકોને જોડીને કરોડોનું રોકાણ કરાવ્યું હતું.
રોકાણ સ્લેબ અને દૈનિક વળતરની વિગત
•1, 000 રૂપિયાથી 25,000 રૂપિયા: 0.15% દૈનિક વળતર
•25,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા રૂપિયા:0.20% દૈનિક વળતર
•1 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા: 0.25% દૈનિક વળતર
•5 લાખ રૂપિયાથી વધુ: 0.30% દૈનિક વળતર
•રેફરલ બોનસ: 15 લેયર સુધી 3%થી 30% સુધીનું કમિશન
ડમી કંપનીઓ અને 15 બૅંક ખાતામાં 634 કરોડની હેરાફેરી
આ મામલે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમો, Banning of Unregulated Deposit Schemes Act, GPID ઍક્ટ અને IT ઍક્ટ હેઠળ ગુનો નોંધી SITની રચના કરાઈ હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ નાણાં મેળવવા અને સગેવગે કરવા માટે S.D. Hub (OPC) Pvt. Ltd., Shiv Dharti Communication, Upay Digi Payment India સહિતની ડમી કંપનીઓ ઊભી કરી હતી. આ કંપનીઓના 15 જેટલા બૅંક ખાતાઓમાં 634 કરોડ રૂપિયાની જંગી રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપીઓના અંગત 30થી 35 બૅંક ખાતાઓ પણ મળી આવ્યા છે.
ઝડપાયેલા આરોપીઓ
•સૂર્યસિંહ રાઠોડ (ઉ. 24): રહે. માણસા, ગાંધીનગર
•આશિષ ગેડિયા (ઉ. 38): મૂળ સાવરકુંડલા, હાલ સુરત
•ભાવેશ ચૌહાણ (ઉ. 41): મૂળ સાવરકુંડલા, હાલ સુરત
•નિશી પ્રસાદ (ઉ. 47): રહે. મહેસાણા (મૂળ બિહાર)
•સોહિલ મકવાણા (ઉ. 26): રહે. મહેસાણા
•નિરવકુમાર પટેલ (ઉ. 32): રહે. બલોલ, મહેસાણા
NCCRP પોર્ટલ પર તપાસ કરતા આ ગેંગના 12 બૅંક ખાતાઓ સામે દેશભરમાંથી 83 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ SIT દ્વારા વધુ કંપનીઓ અને બૅંક ખાતાઓની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

