અમદાવાદમાંથી વધુ એક મહાઠગ ઝડપાયો, મહેસૂલ વિભાગના અધિકારીની ઓળખ આપી આચરી ઠગાઇ
અમદાવાદમાંથી PMO અધિકારી, નકલી જજ, નકલી DYSP બાદ હવે વધુ એક મહાઠગ ઝડપાયો છે. ભારત સરકારના રેવન્યૂ ડિપાર્ટમેન્ટમા

અમદાવાદમાંથી PMO અધિકારી, નકલી જજ, નકલી DYSP બાદ હવે વધુ એક મહાઠગ ઝડપાયો છે. ભારત સરકારના રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં હોવાની ઓળખ આપીને આ મહાઠગે અનેક લોકો સાથે ઠગાઇ આચરી છે. અમદાવાદમાં મહાઠગ સામે ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાંથી ઝડપાયો વધુ એક મહાઠગ
કિરણ પટેલની જેમ અમદાવાદમાં વધુ એક મહાઠગ સામે આવ્યો છે. સરકારી અધિકારીની ઓળખ આપીને આ ઠગે ઠગાઇ કરી છે. મહેસૂલ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર હોવાની ઓળખ આપીને ટ્રાવેલ એજન્સીના માલિક પાસેથી ભાડે ઇનોવા કાર લીધી હોવાનું સામે આવ્યું છે. ઇનોવા ગાડીમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ પણ લગાવ્યું હતું.આ મહાઠગે પોતાની સાથે એક બાઉન્સર પણ નોકરીએ રાખ્યો હતો.
અમદાવાદના મહાઠગે અસારવાની એક સ્કૂલમાં ટ્રસ્ટી હોવાનું કહીને પિકનિક માટે બસ પણ ભાડે લીધી હોવાનું સામે આવ્યું છે અને સ્કૂલમાં ક્લાર્કની નોકરી આપવાનાના નામે 3 લાખની ઠગાઇ પણ આચરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની સહી કરેલો બોગસ લેટર પણ આપ્યો હોવાનું સામે આવ્યું છે.આ મહાઠગે સ્કૂલમાં કલર કામ કરાવી મજૂરીના 2.40 લાખ રૂપિયા પણ આપ્યા નથી.
શું છે સમગ્ર ઘટના?
અમદાવાદના પાલડીના ફતેપુરામાં રહેતા પ્રતિક શાહ ગાડી ભાડે આપવાનું કામ કરે છે. તેમની પાસેથી આરોપી મેહુલે સરકારી વિભાગમાં ઊંચી પોસ્ટ પર અધિકારી હોવાનું કહીને ડ્રાઇવર સાથે ગાડી માગી હતી. પ્રતિકે આરોપી મેહુલ શાહને ગાડી ભાડે આપી હતી. બાદમાં કાર પર સાયરન, સફેદ પડદા અને ભારત સરકારનું સ્ટીકર લગાવવાનું કહેતા પ્રતિકે મેહુલ શાહ પાસે તે માટેનો પરમિશન લેટર માગ્યો હતો. આરોપી મેહુલે ગૃહ મંત્રાલય, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ, સચિવ ગૃહ મંત્રાલય, ગાંધીનગરનો લેટર આપીને સાયરન અને સરકારનું સ્ટીકર લગાવડાવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાંથી હવે નકલી DYSP ઝડપાયા, નકલી પોલીસને જોઈ અસલી પોલીસ પણ ચોંકી!
આ રીતે ઝડપાયો નકલી સરકારી અધિકારી
આરોપી મેહુલ શાહે મહેસૂલ વિભાગમાં પ્રમોશન થયાનું કહીને બીજી ગાડી માગી હતી. ત્યારે પ્રતિકે સરકારનો વર્ક ઓર્ડરનો લેટર માગતા આરોપીએ ખોટો લેટર પણ આપ્યો હતો. બાદમાં ગાડી પર બોર્ડ ચેરમેન અને ભારત સરકાર લખાવીને 90 હજાર ભાડું ન આપીને ઠગાઇ આચરી હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચને જાણ થતાં ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.








