અમદાવાદના રસ્તા બન્યા જીવલેણ! બે અકસ્માતમાં બેના મોત, એકને ઈજા

અમદાવાદના રસ્તા બન્યા જીવલેણ! બે અકસ્માતમાં બેના મોત, એકને ઈજા
તસવીર: AI
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારતા ચાલકોના કારણે અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરના ઓઢવ અને કમોડ રિંગરોડ વિસ્તારમાં બનેલા હિટ એન્ડ રન અને ગંભીર માર્ગ અકસ્માતના બે અલગ-અલગ બનાવોમાં બે વ્યક્તિઓનાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે. આ બંને બનાવો અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર વાહનચાલકોની શોધખોળ હાથ ધરી છે.

ઓઢવમાં અકસ્માત

જાહેરાત

પહેલા અકસ્માતમાં મૂળ મધ્ય પ્રદેશના અને હાલ ઓઢવમાં રહેતા 42 વર્ષના યુવકને 22 તારીખે વહેલી સવારે છોટાલાલની ચાલી ચાર રસ્તા પર રોડ ક્રોસ કરતા સમયે બેફામ ટુ-વ્હીલર ચાલકે અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તાત્કાલિક અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ચાર દિવસની સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકનાં પત્નીએ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટુ-વ્હીલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કમોડ રિંગરોડ વિસ્તારમાં હિટ એન્ડ રન

બીજા અકસ્માતની વિગત એમ છે કે, કુબેરનગરમાં રહેતા અને કડિયાકામ કરતા 55 વર્ષીય આધેડ 26 નવેમ્બરે સાંજે ધોળકાથી કામ પતાવીને એક્ટિવા પર ઘરે પરત ફરતા સમયે અકસ્માતનો ભોગ બન્યા હતા. 5:30 વાગ્યાના અરસામાં કમોડ ગામ નજીક યુ-ટર્ન લેતા સમયે કાળમુખા બેફામ ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રકનું ટાયર એક્ટિવાચાલકના શરીર પરથી ફરી વળતાં આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા અન્ય એક યુવકને હાથ, પગ અને કમરના ભાગે ઈજાઓ પહોંચી છે. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત