‘મકાન ખરીદવા પિયરમાંથી પૈસા લાવ’, અમેરિકન પતિ અને સસરાના ત્રાસથી મહિલા તબીબે નોંધાવી ફરિયાદ

‘મકાન ખરીદવા પિયરમાંથી પૈસા લાવ’, અમેરિકન પતિ અને સસરાના ત્રાસથી મહિલા તબીબે નોંધાવી ફરિયાદ
તસવીર: AI
આ સમાચાર સાંભળો

અમદાવાદમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી મૂળ જયપુરની 29 વર્ષીય મહિલા તબીબે તેના અમેરિકન સિટીઝન પતિ અને થલતેજમાં રહેતા સસરા વિરુદ્ધ માનસિક ત્રાસ તેમજ મકાન ખરીદવા પૈસાની માંગણી કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2020માં લગ્ન બાદ પિયરમાંથી પૈસા લાવવાનો ઇનકાર કરતા પતિએ તેની સાથે રહેવાનું બંધ કરી દીધું હતું અને અંતે સાસરીના ઘરે પતિ સાથે અજાણી યુવતી જોવા મળતા થયેલા ઝઘડામાં તેને ધક્કા મારી કાઢી મૂકવામાં આવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

ઉદયપુરમાં પ્રેમ અને અમદાવાદમાં લગ્ન

જાહેરાત

પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ, મૂળ જયપુરની અને અમદાવાદમાં એનેસ્થેસિયા વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી 29 વર્ષીય યુવતીએ તેના અમેરિકન સિટીઝન પતિ અને સસરા સામે માનસિક ત્રાસ અને પૈસાની માંગણીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2014માં ઉદયપુરમાં એમબીબીએસના અભ્યાસ દરમિયાન થયેલા પ્રેમ બાદ 23 જૂન 2020ના રોજ અમદાવાદમાં બંનેના લગ્ન થયા હતા. લગ્નના 1 અઠવાડિયા બાદ પતિ અમેરિકા જતો રહેતા થલતેજ સ્થિત સાસરીમાં સસરાએ ઘરકામ મુદ્દે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2022માં અમેરિકા અને વર્ષ 2023માં અમદાવાદના રોકાણ દરમિયાન પણ સસરા સાસુને ચઢામણી કરતા અને પતિ પિતાનો પક્ષ લઈ યુવતીને ઠપકો આપતો હતો.

ધક્કા મારી કાઢી મૂકી

વર્ષ 2025માં ફરિયાદીનો પતિ કાયમી અમદાવાદ આવી સોલામાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો, પરંતુ નવું મકાન ખરીદવા પિયરમાંથી પૈસા લાવવાની યુવતીએ ના પાડતા તેણે ભાડું આપવાનું અને સાથે રહેવાનું બંધ કરી દીધું હતું. 15 જૂન 2026ની આસપાસ તબિયત ખરાબ હોવાથી ફરિયાદી રાત્રે થલતેજ સાસરીએ પહોંચતા ઘરમાં અજાણી યુવતી જોવા મળી હતી, જેને લઈ પતિ અને સસરાએ ઝઘડો કરી તેને ધક્કા મારી કાઢી મૂકી હતી. જુલાઈ 2026માં સમાધાનના પ્રયાસો નિષ્ફળ જતા અને પતિએ છૂટાછેડાની વાત કરતા યુવતીએ 30 જુલાઇ 2026ના રોજ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેને રોહને તા. 11 ઓગસ્ટ 2026ના રોજ ફોસલાવી પરત ખેંચાવી લેતા અંતે પીડિતાએ પતિ અને સસરા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત