Ahmedabad / દેરાસરના પૂજારીએ જ કરી દાગીનાની ચોરી: 6.224 કિલો ચાંદી સાથે ઝડપાયો

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા એક જૈન દેરાસરમાં 'રક્ષક જ ભક્ષક' બન્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દેરાસરની પ્રતિમા પરથી રૂ. 4 લાખની કિંમતના અંદાજે 9 કિલો ચાંદીના આભૂષણોની ચોરી કરવા બદલ પોલીસે રવિવારે દેરાસરના જ પૂજારીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 6.224 કિલો ચાંદીના દાગીના રિકવર કર્યા છે.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ચોરીની ઘટના 17 નવેમ્બરના રોજ પ્રકાશમાં આવી હતી, જ્યારે મંદિર ટ્રસ્ટના પ્રમુખના ધ્યાને આવ્યું કે પ્રતિમા પરના ચાંદીના આભૂષણો ગાયબ છે. 15 વર્ષ પહેલાં રૂ. 4 લાખના ખર્ચે બનાવવામાં આવેલા અંદાજે 9 કિલો વજનના આ આભૂષણો છેલ્લે 27 સપ્ટેમ્બરે પર્યુષણ પર્વ દરમિયાન પ્રતિમા પર શણગારવામાં આવ્યા હતા.
છેલ્લા 9 વર્ષથી દેરાસરનો વહીવટ સંભાળતા 63 વર્ષીય જ્વેલર્સ પ્રમુખે અન્ય હોદ્દેદારોને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ઘણા સમયથી આ દાગીના પ્રતિમા પર પહેરાવવામાં આવ્યા નથી. વધુ તપાસ કરતાં ટ્રસ્ટને જાણ થઈ કે દેરાસરનો પૂજારી 2 નવેમ્બરના રોજ અચાનક નોકરી છોડીને જતો રહ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ડાગલા ગામનો વતની આરોપી પૂજારી છેલ્લા આઠ વર્ષથી આ દેરાસરમાં કામ કરતો હતો. પૂજા-વિધિ કરવાની, પ્રતિમાને આભૂષણોથી શણગારવાની અને પરિસરની જાળવણીની જવાબદારી તેના શિરે હતી. તેના પર શંકા જતાં ટ્રસ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની પૂછપરછમાં આરોપી પૂજારીએ કબૂલાત કરી હતી કે, તેના વતનમાં ઘરનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી તેણે ઘણા લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા. માથે દેવું વધી જતાં તેણે દેરાસરના આભૂષણો ચોરી લેવાનો પ્લાન બનાવ્યો હતો.










