પાટણની ઐતિહાસિક 'રાણીની વાવ' પર ખતરો: બેક્ટેરિયા અંદરથી કોરી રહ્યા છે અદભુત શિલ્પો

પાટણની ૧૧મી સદીની વિશ્વવિખ્યાત 'રાણીની વાવ' (Rani-ki-Vav) પોતાના અદભુત સ્થાપત્ય અને દેવી-દેવતાઓની કોતરણી માટે જાણીતી છે. લગભગ એક હજાર વર્ષથી સમયના થપાટ ઝીલીને અડીખમ ઉભેલી અને ૨૦૧૪થી યુનેસ્કો (UNESCO) ની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન પામેલી આ ઐતિહાસિક ધરોહર પર અત્યારે એક 'સાયલન્ટ' (અદ્રશ્ય) ખતરો તોળાઈ રહ્યો છે. તાજેતરમાં થયેલા એક વૈજ્ઞાનિક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, સૂક્ષ્મજીવો (બેક્ટેરિયા) અને તેનાથી થતી રાસાયણિક પ્રક્રિયાઓ વાવના સેન્ડસ્ટોન (રેતાળ પથ્થરો) ને અંદરથી કોરી રહી છે.
12 સ્થળોએથી સેમ્પલ લેવાયા, પથ્થરો પર જામી છે 'બાયોફિલ્મ'
એલ્સેવિયરની 'જર્નલ ઓફ કલ્ચરલ હેરિટેજ'માં પ્રકાશિત થયેલા આ સંશોધન પત્રમાં સંશોધકોએ માઇક્રોબાયોલોજી અને ખનિજ-રાસાયણિક વિશ્લેષણનો સમન્વય કરીને પથ્થરોના ઘસારા પાછળના કારણો શોધી કાઢ્યા છે. વાવની દીવાલો અને શિલ્પો પર જ્યાં ખવાણ જોવા મળ્યું હતું તેવા ૧૨ સ્થળોએથી બેક્ટેરિયલ કોલોની, બાયોફિલ્મ અને ભેજવાળા કાંપના નમૂના લેવામાં આવ્યા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે આ પથ્થરો પર મુખ્યત્વે ફર્મિક્યુટ્સ (૬૧.૫%), બેક્ટેરોઇડેટ્સ (૧૮.૫%), પ્રોટીઓબેક્ટેરિયા (૧૮%) અને એક્ટિનોબેક્ટેરિયા (૧.૪%) જેવા બેક્ટેરિયા સક્રિય છે. સંશોધકોના મતે, આમાંના કેટલાક બેક્ટેરિયા ચીકણા પદાર્થો ઉત્પન્ન કરીને પથ્થરની સપાટી પર ચોંટી જાય છે અને 'બાયોફિલ્મ' બનાવે છે. આ બાયોફિલ્મ પથ્થરમાં ભેજ જાળવી રાખે છે અને એવા એસિડ ઉત્પન્ન કરે છે જે પથ્થરના કેલ્સાઇટ તત્વને ઓગાળીને તેને છિદ્રાળુ (પોલા) બનાવી દે છે, જેનાથી પાણી અંદર ઉતરવાની પ્રક્રિયા બદલાઈ જાય છે અને પથ્થર નબળો પડે છે.
ગુજરાતની ચાર સંસ્થાઓનો સંયુક્ત અભ્યાસ
આ મહત્વપૂર્ણ સંશોધન ભુજ સ્થિત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના વિદ્યાર્થીની રચના પ્રિયદર્શીના માસ્ટર્સ ડિસર્ટેશનના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો લાઈફ સાયન્સ વિભાગ, ગાંધીનગરનું ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) વડોદરા સર્કલ પણ જોડાયા હતા.
ચોમાસા પહેલાં અને પછી સતત મોનિટરિંગ જરૂરી
રચના પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, રાણીની વાવનું ખવાણ માત્ર વાતાવરણના ફેરફારોથી જ નહીં, પરંતુ પથ્થરની સપાટી પર થતી જટિલ બાયોકેમિકલ પ્રક્રિયાઓને કારણે પણ થઈ રહ્યું છે. હવે માત્ર ઉપરછલ્લી તપાસ કરવાને બદલે વૈજ્ઞાનિક ઢબે જાળવણી કરવાની જરૂર છે. નિષ્ણાતોએ ભલામણ કરી છે કે ખાસ કરીને ચોમાસા પહેલાં અને પછી ફૂગ, શેવાળ અને બેક્ટેરિયાની વૃદ્ધિ પર નજર રાખવા માટે લાંબા ગાળાનું મોનિટરિંગ થવું જોઈએ, જેથી પથ્થરમાં ભેજ અને ક્ષારનું પ્રમાણ નિયંત્રિત કરી શકાય.
અગાઉ ઓડિશાના ૭મી સદીના પરશુરામેશ્વર મંદિર અને કોણાર્કના સૂર્યમંદિરમાં પણ આ જ પ્રકારના સૂક્ષ્મજીવો દ્વારા પથ્થરોને થતા નુકસાન અંગે અભ્યાસ થઈ ચૂક્યો છે. સંશોધકોએ ભારતીય આબોહવા અને સ્થાનિક તાપમાન મુજબ ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે ખાસ વૈજ્ઞાનિક નીતિ ઘડવા પર ભાર મૂક્યો છે.












