ગાંધીનગરની ચિંતન શિબિરમાં શ્રમ સુધારાઓને વેગ આપવા મંથન, એક્શન પ્લાન બનાવવા માંડવિયાનું આહ્વાન

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ગાંધીનગર ખાતે યોજાયેલી બે દિવસીય 'ચિંતન શિબિર'માંથી ઉભરી આવેલા સૂચનોને નક્કર કાર્યયોજના (એક્શન પ્લાન) માં ફેરવવા આહ્વાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શ્રમ સુધારાઓના અસરકારક અમલીકરણ અને કામદારોના હિતોની રક્ષા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલિત પ્રયાસો અત્યંત નિર્ણાયક સાબિત થશે.
મહાત્મા મંદિર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકના સમાપન સત્રને સંબોધતા માંડવિયાએ કહ્યું કે, ચર્ચા દરમિયાન રજૂ થયેલા સૂચનો અને ગ્રાઉન્ડ લેવલના અનુભવો શ્રમ વિભાગની ભાવિ કામગીરી માટે માર્ગદર્શક બનવા જોઈએ. હવે આપણું સંપૂર્ણ ધ્યાન કેન્દ્ર અને રાજ્યોના સતત સંકલન દ્વારા ચારેય 'લેબર કોડ' (શ્રમ સંહિતા) ના પાયાના સ્તરે અમલીકરણને મજબૂત કરવા પર હોવું જોઈએ.
અસંગઠિત કામદારો અને MSME પર વિશેષ મંથન
21 અને 22 નવેમ્બરના રોજ યોજાયેલી આ બે દિવસીય શિબિર લેબર કોડ અમલમાં આવ્યાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કરવામાં આવી હતી. સત્તાવાર નિવેદન મુજબ, આ બેઠકમાં લેબર કોડના અમલીકરણની સ્થિતિ, રોજગારની પહેલ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) માં સુધારા, અસંગઠિત ક્ષેત્રના કામદારોની સામાજિક સુરક્ષા તેમજ શ્રમ આંકડાશાસ્ત્ર જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓ સાથેના અલગ-અલગ સત્રોમાં અમલીકરણની વ્યૂહરચના, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) સાથે જોડાણ, વિશ્વાસ-આધારિત ઈલેક્ટ્રોનિક પાલન અને ફરિયાદ નિવારણ તંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. બીજા દિવસે 'લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ સ્ટેક', આંતરરાષ્ટ્રીય શ્રમ ગતિશીલતા, જિલ્લા રોજગાર પ્રોફાઇલ ફ્રેમવર્ક અને કેન્દ્ર-રાજ્યના ફરિયાદ નિવારણ તંત્ર વચ્ચેના સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
કાનૂની વિવાદો ટાળવા વકીલો અને કન્સલ્ટન્ટ્સને તાલીમ અપાશે
કેન્દ્રીય રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ આ ચર્ચાઓમાંથી સમયમર્યાદામાં પરિણામો લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સૂચન કર્યું હતું કે કામદારોની ફરિયાદો મોટા કાનૂની વિવાદોમાં ફેરવાય તે પહેલાં જ તેનો સક્રિયપણે ઉકેલ લાવવા માટે વકીલો અને કન્સલ્ટન્ટ્સને યોગ્ય તાલીમ આપવી જોઈએ.










