Ahmedabad / વાહનોના કાળા ધુમાડાથી હવા ઝેરી બની; PM10 સ્તર નિયમ કરતાં 68% વધુ, PUC નિયમોના ઉલ્લંઘનનો મોટો ખુલાસો

અમદાવાદ શહેરના રસ્તાઓ પર અડધા કલાકની સામાન્ય મુસાફરી દરમિયાન જ કાળો ધુમાડો ઓકતાં 4 થી 5 વાહનો નજરે પડે છે. આ કાળા ધુમાડાના કારણે વિહિકલ પાછળ ચાલતા બાઇકચાલકોના શ્વાસમાં સીધો ઝેરી વાયુ જાય છે, જે શહેરીજનોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો કરી રહ્યો છે. 'સ્મોકિંગ વાહનો' અને કોર્પોરેશનના કચરો ઉપાડતાં વાહનો દ્વારા ઓકવામાં આવતા ધુમાડાને કારણે અમદાવાદનું વાર્ષિક PM10 સ્તર વર્ષ 2025-26માં વધીને 101 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર નોંધાયું છે. રાષ્ટ્રીય ધોરણ મુજબ વાર્ષિક PM10 ની મર્યાદા 60 માઇક્રોગ્રામ હોવી જોઇએ, જેની સરખામણીએ અમદાવાદનું પ્રદૂષણ સ્તર 68 ટકા વધુ છે.
રાજ્યના કાર્બન ઉત્સર્જનમાં વાહનવ્યવહાર ક્ષેત્રનો મોટો ફાળો
વાહનોની સતત વધતી સંખ્યા વાયુ પ્રદૂષણની સમસ્યાને વધુ વિકટ બનાવી રહી છે. વર્ષ 2023ના આંકડા મુજબ સમગ્ર ગુજરાતના કુલ CO2 (કાર્બન ડાયોક્સાઇડ) ઉત્સર્જનમાં વાહનવ્યવહાર ક્ષેત્રનો હિસ્સો 13 ટકા હતો. જોકે, અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો આ હિસ્સો વધીને ચોંકાવનારા 36 ટકા સુધી પહોંચી ગયો છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદમાં વાહનોમાંથી નીકળતો ધુમાડો માત્ર વાહનવ્યવહારની સમસ્યા નથી, પરંતુ તે કુલ કાર્બન ઉત્સર્જન વધારતું સૌથી મોટું પરિબળ બની ગયું છે.
CAG રિપોર્ટમાં મોટો ખુલાસો
વાહનોના પ્રદૂષણ નિયંત્રણમાં થતી બેદરકારી અંગે CAG ના ઓડિટ રિપોર્ટમાં અત્યંત ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. માર્ચ 2024 સુધીના ડેટા અનુસાર, ગુજરાતમાં 39.13 લાખ વાહનોના PUC સર્ટિફિકેટ એક્સપાયર થઈ ગયા હોવા છતાં તેઓ રસ્તા પર દોડી રહ્યા છે. એટલું જ નહીં, વર્ષ 2009 થી 2019 વચ્ચે રજિસ્ટર્ડ થયેલા 69.29 લાખ વાહનોએ 2019 થી 2024 ના 5 વર્ષ દરમિયાન એક પણ વખત પોતાનું PUC રિન્યૂ કરાવવાની તસદી લીધી નહોતી.
કાગળ પર જ કડક કાર્યવાહી: CCTV અને ઈ-ચલાણની અમલવારી શૂન્ય
અમદાવાદ શહેરમાં પ્રદૂષણ ફેલાવતાં વાહનો સામે કાર્યવાહી કરવા માટે 110 જંક્શનો પર 1,079 સીસીટીવી કેમેરાનું નેટવર્ક ગોઠવીને ઈ-ચલાણ ઇશ્યૂ કરવાની યોજના બનાવવામાં આવી હતી. જોકે, આ કેમેરા આધારિત સિસ્ટમની વાસ્તવિક અસર ધુમાડાબંધ વાહનોને રોકવામાં ખાસ દેખાતી નથી. કાગળ પર મોટી મોટી યોજનાઓ અને દાવાઓ હોવા છતાં, કડક ચેકિંગ અને દંડના અભાવે કાયદાનો અમલ માત્ર ચોપડા પર જ સીમિત રહી ગયો છે.

