Ahmedabad: કાર રેન્ટલ કંપની સાથે ₹2.36 કરોડની ઠગાઈ, કસ્ટમર બની ભાડે લીધેલી 15 લક્ઝુરિયસ ગાડીઓ પચાવી પાડી

થલતેજમાં આવેલી ગો વિથ ઝૂપ નામની કાર રેન્ટલ કંપની સાથે રૂપિયા 2.36 કરોડની છેતરપિંડીની થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જૂન 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન અલગ-અલગ 10 શખ્સે કસ્ટમર બનીને કંપનીમાંથી થાર, ઓડી અને ફોર્ચ્યુનર જેવી 15 જેટલી લક્ઝુરિયસ ગાડીઓ ભાડે લીધી હતી અને ત્યારબાદ ગાડીઓના જીપીએસ બંધ કરી, કોન્ટેક્ટ બંધ કરીને ફરાર થઈ ગયા હતા. કાર કે ભાડું પાછું ના મળતા અને કરોડો રૂપિયાની ગાડીઓ ચાઉં કરી જતા કંપનીના માલિક સૌરભભાઈ ગુપ્તાએ આ 10 આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મૂળ મધ્યપ્રદેશના અને હાલ અમદાવાદમાં ડ્રાઈવ ઇન રોડ પર રહેતા સૌરભભાઈ મોહનભાઈ તુલસીરામ ગુપ્તાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેઓ ગો વિથ ઝૂપ નામની કાર રેન્ટલ કંપની ચલાવે છે જેની મેઈન ઓફિસ થલતેજ વિસ્તારમાં આવેલી છે અને તેઓ કાર ભાડે આપવાનું કામ કરે છે. તેમની સાથે 10 અલગ અલગ શખ્સોએ કસ્ટમર બનીને કાર ભાડે લઈને પછી કાર કે ભાડું પાછું આપ્યું નહતું અને 2.36 કરોડની છેતરપિંડી કરી હતી.
મળતી માહિતી મુજબ, ગત જૂન 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આરોપીઓ લક્ષ્મણભાઈ ભરવાડ (ખેડા), મુકેશભાઈ પ્રજાપતિ (અમદાવાદ), દિપક ખત્રી (અમદાવાદ), રૂષિલ શાહ (અમદાવાદ), ધ્રુવ પ્રજાપતિ (મહેસાણા), અબ્દુલ રઝાક (રાજસ્થાન), અરવિંદભાઈ પ્રજાપતિ (સાબરકાંઠા), રવિકુમાર મહેતા (અમદાવાદ), જીતેન્દ્રસિંહ સોલંકી (ગોધરા) અને ઉત્સવ સેઠ (અમદાવાદ) એમ કુલ 10 જણાએ અલગ અલગ સમયે કાર ભાડે લીધી હતી.
આ શખ્સોએ થાર, સ્વીફ્ટ, સફારી, સ્કોર્પિઓ, ઓડી, બરતુસ, ફોર્ચ્યુનર, અર્ટીગા અને બલેનો જેવી કુલ 15 ગાડીઓ ભાડે લીધી હતી. સૌથી વધુ 4 કાર ગોધરાના જીતેન્દ્રસિંહ સોલંકીએ લીધી હતી. ગાડીઓ લીધા બાદ આ તમામે ભાડું ચૂકવ્યું ન હતું, જીપીએસ બંધ કરી દીધા હતા અને ગાડીઓ પચાવી પાડી હતી. આ તમામ 15 કારની કુલ કિંમત 2,36,30,000 રૂપિયા થાય છે. આ પછી અંતે સૌરભભાઈએ તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

