Ahmedabad: વટવા GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, 22 ફાયર ફાઈટરોએ4 કલાકની ભારે જહેમત બાદ મેળવ્યો કાબૂ

અમદાવાદના વટવા GIDCમાં મોડી રાત્રે એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી. ફેક્ટરીમાં રહેલા જ્વલનશીલ પદાર્થોના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, ફાયર વિભાગની ટીમે સમયસૂચકતા વાપરીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી છે. રાહતના સમાચાર એ છે કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
રાત્રે 1:30 વાગ્યે આગનો કોલ મળતા જ ફાયર ફાઈટરો દોડ્યા
મળતી માહિતી અનુસાર, વટવા GIDC ફેઝ-2 વિસ્તારમાં આવેલી ‘અર્પણ એરોનોટિકલ કેમિકલ કંપની’માં મોડી રાત્રે આશરે 1:30 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી. ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ દેખાતા જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
કંપનીમાં મોટા પ્રમાણમાં કાચું ઓઈલ અને અન્ય જ્વલનશીલ કેમિકલનો જથ્થો સંગ્રહિત હોવાના કારણે થોડી જ ક્ષણોમાં આગ સમગ્ર ફેક્ટરીમાં પ્રસરી ગઈ હતી અને આખી ફેક્ટરી આગની ચપેટમાં આવી ગઈ હતી.
4 કલાકના ઓપરેશન બાદ સવારે આગ સંપૂર્ણ કાબૂમાં આવી
22 ફાયરની ગાડીઓની ટીમે દ્વારા સતત પાણી મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમને આગ પર કાબુ મેળવવા માટે 4 કલાક જેટલો સમય લાગ્યો હતો.ફાયર વિભાગ ની ટીમ દ્વારા સવારે 5.30 વાગે આગ સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો હતો.

