વાપીમાં જ્વેલર્સ પર હુમલા કેસમાં ત્રણેય આરોપીઓ જેલભેગા, કોર્ટ બહાર વેપારીઓએ લગાવ્યા 'પોલીસ જિંદાબાદ'ના નારા

વાપીમાં જ્વેલર્સ પર હુમલા કેસમાં ત્રણેય આરોપીઓ જેલભેગા, કોર્ટ બહાર વેપારીઓએ લગાવ્યા 'પોલીસ જિંદાબાદ'ના નારા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વાપી ટાઉનના મુખ્ય બજારમાં આવેલા અભિષેક જ્વેલર્સના સંચાલક લલિત મોતીલાલ જૈન પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં મોટો અપડેટ સામે આવ્યો છે. ₹5 કરોડની ખંડણીના મામલે રોહિત પોદારા ગેંગના સાગરીત હેરી ઢિલ્લોનના ઇશારે હુમલો કરવાના આરોપમાં પકડાયેલા ત્રણેય આરોપીઓના 8 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં બુધવારે તેમને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે ત્રણેય આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડ્યા 

ઉલ્લેખનીય છે કે, વાપીના મુખ્ય બજારમાં અભિષેક જ્વેલર્સના સંચાલક લલિત જૈન પર ત્રણ શખસોએ જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલા પાછળ દુબઈની જેલમાં હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા રોહિત પોદારા ગેંગના મનાતા હરજિન્દર ઉર્ફે હેરી ઢિલ્લોનનું નામ સામે આવ્યું હતું. હુમલાના ત્રણ આરોપીઓ પૈકી એક લવપ્રીત સિંહને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે આરોપી જુગરાજ ઉર્ફે યુવરાજ સિંહ અને અમોલક સિંહને વલસાડ પોલીસે સુરત LCBની મદદથી માત્ર અઢી કલાકમાં સુરત રેલવે સ્ટેશન બહારથી ઝડપી લીધા હતા.

જાહેરાત

વેપારીઓએ પોલીસની કામગીરીને બિરદાવી

બીજી તરફ, ત્રણેય હુમલાખોરોની ધરપકડ બાદ પણ હેરી ઢિલ્લોન દ્વારા જેલમાંથી ફોન મારફતે વેપારીના પરિવાર પર ખંડણીની રકમ ચૂકવવા દબાણ કરવામાં આવતું હોવાનો આરોપ છે. જેને પગલે પોલીસે પરિવારની સુરક્ષા વધારી હતી. બુધવારે રિમાન્ડ પૂર્ણ થતાં SOGના PI ડી.ડી. પરમાર અને તેમની ટીમે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. આ દરમિયાન કોર્ટ બહાર વાપીના જ્વેલર્સ, વેપારીઓ અને વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.

વેપારીઓએ વલસાડ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી હતી અને પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. જ્વેલર્સ અમરત સોનીએ જણાવ્યું હતું કે, હુમલાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી વેપારીઓમાં ફેલાયેલા ભયના માહોલને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. પોલીસની આ કામગીરી ખરેખર પ્રશંસનીય છે અને વેપારીઓ પોલીસની કામગીરીને સલામ કરે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત