Ahmedabad Air Pollution Update: શહેરમાં શ્વાસ સંબંધિત બીમારીઓમાં મોટો ઉછાળો, જાણો 2025ના લેટેસ્ટ આંકડા

Ahmedabad Air Pollution Update: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હવાની ગુણવત્તા (Air Quality) કથળી રહી છે, જેના કારણે શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓનો ફેલાવો વધી રહ્યો છે. વાહનોનો ધુમાડો, ઉદ્યોગોનું પ્રદૂષણ અને બાંધકામની ઉડતી ધૂળ હવે લોકોના ફેફસાં સુધી પહોંચી રહી છે. તાજેતરના આંકડાઓ મુજબ, સમગ્ર રાજ્યમાં અમદાવાદ આ મામલે પ્રથમ ક્રમે છે.
EMRI 108ના ચોંકાવનારા આંકડા
વર્ષ 2024ની સરખામણીએ 2025માં શ્વાસની સમસ્યાઓના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. EMRI 108 દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ:
કુલ ઈમરજન્સી કોલ્સ (2025): 1,29,000થી વધુ.
વર્ષ 2024 માં કોલ્સ: 1,24,210.
અમદાવાદની સ્થિતિ: 31,162 ઈમરજન્સી કોલ્સ સાથે અમદાવાદ ટોચ પર છે.
બીજા નંબરે સુરત: સુરતમાં 11,736 જેટલા કેસો નોંધાયા છે.
જશવંત પ્રજાપતિ (COO, EMRI 108)ના જણાવ્યા મુજબ, મોટી ઉંમરના લોકોની સાથે હવે નાની વયના લોકોમાં પણ શ્વાસ લેવાની તકલીફોના કેસ વધી રહ્યા છે, જે ભયજનક સંકેત છે.
ડૉક્ટરોનું વિશ્લેષણ: કેમ વધી રહી છે બીમારી?
સોલા સિવિલ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના HOD ડૉ. ચિરાગ સોલંકી જણાવે છે કે, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડી અને ધુમ્મસને કારણે હવામાં પ્રદૂષણના સૂક્ષ્મ કણો જમીનની નજીક રહે છે. આનાથી દમ, એલર્જી, છાતીમાં જકડાશ અને લાંબી ઉધરસના કેસો વધે છે. ખાસ કરીને ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે આ હવા જીવલેણ સાબિત થઈ શકે છે.

