અપ્રમાણસર મિલકત કેસમાં કેતકી વ્યાસની ધરપકડ બાદ કાર્યવાહી તેજ, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટનો હુકમ

અપ્રમાણસર મિલકતના આરોપસર કેતકી વ્યાસને અમદાવાદની સ્પેશિયલ ACB કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો છે. કોર્ટના જેલ વોરંટના આધારે કેતકી વ્યાસને સાબરમતી જેલ લઈ જવાયા છે. મોટાભાગની તપાસ દસ્તાવેજી પુરાવા આધારિત હોવાથી રિમાન્ડની જરૂરિયાત ન હોવાથી ACBએ રિમાન્ડની માંગણી કરી નહોતી. ACBએ કેતકી વ્યાસની હાજરીમાં સીલ કરાયેલા ફ્લેટને ખોલી સર્ચ ઓપેરેશન કર્યું હતું.
ક્રાઇમ બ્રાન્ચે કરી હતી અટકાયત
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે અપ્રમાણસર મિલકતના કેસમાં લાંબા સમયથી વોન્ટેડ આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (RAC) અને હાલ ફરજ મોકૂફી હેઠળ રહેલા વર્ગ-1ના સિનિયર સ્કેલના અધિકારી કેતકી વ્યાસની અટકાયત કરીને મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી માટે એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)ને હવાલે કરી દીધી છે.
બહેનના ઘરે છુપાઈ હતી કેતકી વ્યાસ
મળતી માહિતી મુજબ, આરોપી કેતકી વ્યાસ શેલા વિસ્તારમાં આવેલી તેની બહેનના ઘરે છુપાઈને રહેતી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા દરોડો પાડીને તેને ત્યાંથી જ ઝડપી લેવામાં આવી હતી.
ACB કચેરી ખાતે સત્તાવાર ધરપકડની પ્રક્રિયા
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેતકી વ્યાસને હાલ એસીબી (ACB) કચેરીએ સોંપવામાં આવી છે. ACB દ્વારા અપ્રમાણસર મિલકતના કેસમાં તેની સત્તાવાર ધરપકડ દર્શાવીને આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કેતકી વ્યાસની ધરપકડથી અપ્રમાણસર મિલકતના આ કેસમાં અન્ય કેટલાંક ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા સેવાઈ રહી છે.

