Video: વસઈ-મહિજડા રોડ પર અચાનક લાગી ભીષણ આગ: વીજ વાયર અડતાં જ ટ્રેક્ટર-ટ્રોલી આગનો ગોળો બન્યા, દોડધામ મચી!

સોર્સ: gstv

અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકામાં વસઈથી મહિજડા ગામ તરફ જતા રસ્તા પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ખેતરમાંથી ડાંગરના ગંઠા (પૂળા) ભરીને જઈ રહેલું ટ્રેક્ટર-ટ્રોલી રસ્તા પરથી પસાર થતી જીવંત વીજ લાઈનના સંપર્કમાં આવતા જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર ટ્રેક્ટર અને ટ્રોલી બળીને ખાખ થઈ ગયા હતા. જોકે, ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી તાત્કાલિક કૂદી જતાં તેનો આબાદ ચમત્કારિક બચાવ થયો હતો.

જીવંત વીજ વાયર અડતાં જ ભડકો થયો

જાહેરાત

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ખેડૂત પોતાના ખેતરમાંથી ડાંગરના પૂળા ટ્રોલીમાં ભરીને વસઈ-મહિજડા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ટ્રોલીમાં ઘાસચારો/ડાંગરના પૂળા ઊંચાઈ સુધી ભરેલા હોવાથી રસ્તા પર નીચે લટકતા જીવંત વીજ વાયર સાથે તેનો સંપર્ક થઈ ગયો હતો. વીજ વાયર અડતાં જ જોરદાર તણખા સાથે ડાંગરના સૂકા પૂળામાં આગ ભભૂકી ઉઠી હતી.

ડ્રાઈવરનો સમયસૂચકતાથી જીવ બચ્યો

આગ પકડાઈ હોવાની જાણ થતાં જ ટ્રેક્ટર ચાલકે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સમયસૂચકતા વાપરીને ટ્રેક્ટર થોભાવી નીચે કૂદી ગયો હતો, જેના પગલે કોઈ જાનહાનિ થઈ નહોતી. જોતજોતામાં આગે સમગ્ર ટ્રોલી અને ટ્રેક્ટરને પોતાની લપેટમાં લઈ લીધા હતા, જેના કારણે વાહન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.

રસ્તા વચ્ચે વાહન સળગતું જોઈ આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ દોડી આવ્યા હતા. આ ઘટનાના પગલે રસ્તા પર થોડા સમય માટે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. ડાંગરનો મોટો જથ્થો અને ટ્રેક્ટર બળીને ખાખ થઈ જતાં ખેડૂતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત