જમીન NA કરવાના વિવાદમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! ગુજરાત હાઈકોર્ટના હુકમ અને અમદાવાદ કલેક્ટરના નિર્ણય પર લગાવ્યો સ્ટે

જમીનને બિનખેતી (NA) કરવાની મંજૂરીને લઈને ચાલી રહેલા કાયદાકીય વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ હસ્તક્ષેપ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ કલેક્ટરને 15 દિવસમાં NA અરજી અંગે ફરીથી નિર્ણય લેવા આપવામાં આવેલા આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. એટલું જ નહીં, હાઈકોર્ટના આદેશના અનુસંધાનમાં અમદાવાદ કલેક્ટર દ્વારા પ્રીમિયમની રકમ જમા કરાવવાના આપવામાં આવેલા હુકમ પર પણ સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે.

શું છે સમગ્ર મામલો?

સમગ્ર મામલો જમીન મહેસૂલ સંહિતાની કલમ-65 હેઠળ જમીનને NA કરવાની મંજૂરી મેળવવા માટે કરવામાં આવેલી અરજી સાથે જોડાયેલો છે. અરજદારો દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર સમક્ષ NA માટે અરજી કરવામાં આવી હતી. જોકે, કલેક્ટર દ્વારા આ અરજી દફતરે કરવામાં આવતા અરજદારોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

જાહેરાત

આ મામલે ગુજરાત હાઈકોર્ટે 'તુષાર ઘેલાણી વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત' કેસમાં પ્રસ્થાપિત સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને કલેક્ટરને NA અરજી અંગે નિર્ણય લેવા આદેશ કર્યો હતો. ત્યારબાદ જમીનના માલિક એવા વાંધેદારોએ હાઈકોર્ટની ખંડપીઠ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પણ કાયદાકીય લડત આપી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કલેક્ટરે ફગાવી હતી અરજી

સુપ્રીમ કોર્ટ દ્વારા અમદાવાદ કલેક્ટરને સમગ્ર મામલાના તથ્યો અને કાયદાકીય પાસાઓ તપાસીને NA અરજી અંગે નિર્ણય લેવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ નિર્દેશના અનુસંધાનમાં કલેક્ટર દ્વારા NA અરજી ફગાવી દેવામાં આવી હતી.જોકે, કલેક્ટરના આ નિર્ણયને રિટ પિટિશન મારફતે પડકારવાને બદલે હાઈકોર્ટના અગાઉના હુકમની અવગણના થઈ હોવાનો આક્ષેપ કરીને કન્ટેમ્પ્ટ અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં રજૂ થયેલી બાબતોના આધારે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ કલેક્ટરને 15 દિવસમાં ફરીથી નિર્ણય લેવા આદેશ કર્યો હતો.

પ્રીમિયમની રકમ ભરવાના આદેશ પર પણ રોક

હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ કલેક્ટર દ્વારા 17 નવેમ્બર, 2026ના રોજ NA અરજીના અનુસંધાનમાં પ્રીમિયમની રકમ જમા કરાવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમને લઈને જમીનના વાંધેદારોએ ફરી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષકારોને સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટના આદેશ તેમજ અમદાવાદ કલેક્ટર દ્વારા પ્રીમિયમની રકમ જમા કરાવવાના આપવામાં આવેલા હુકમ પર સ્ટે આપવામાં આવ્યો છે.

હવે તુષાર ઘેલાણી કેસના સિદ્ધાંતો પર નજર

આ સમગ્ર મામલે હવે સુપ્રીમ કોર્ટમાં આગળની કાયદાકીય કાર્યવાહી મહત્વપૂર્ણ બની રહેશે. ખાસ કરીને 'તુષાર ઘેલાણી વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત' કેસમાં પ્રસ્થાપિત થયેલા સિદ્ધાંતો અંગે પણ સુપ્રીમ કોર્ટ તરફથી વધુ સ્પષ્ટતા અથવા માર્ગદર્શન મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જમીનને NA કરવાની પ્રક્રિયા અને કલેક્ટરની સત્તાઓને લઈને આ કેસની આગામી સુનાવણી પર હવે નજર રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત