SASTRA યુનિવર્સિટી સામે કાર્યવાહી નહીં કરી શકે તમિલનાડુ સરકાર: 31.37 એકર જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ યથાવત્

દિલ્હી SIR વિવાદ: મતદાર યાદીમાંથી નામ કપાયા, હવે નવા મતદાર તરીકે ફોર્મ ભરવાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

તમિલનાડુના તંજાવુરમાં આવેલી SASTRA યુનિવર્સિટીને સરકારી જમીનના વિવાદમાં સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને યુનિવર્સિટી સામે કોઈપણ પ્રકારની બળજબરીભરી કાર્યવાહી (Coercive Action) નહીં કરવાનો આદેશ આપ્યો છે. વિવાદિત 31.37 એકર સરકારી જમીન પર કથિત અતિક્રમણ (Encroachment) મામલે કોર્ટે અગાઉ આપેલો વચગાળાનો આદેશ (Interim Order) યથાવત્ રાખ્યો છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ સભ્યોની બેન્ચે સોમવારે આ મામલે સુનાવણી કરી હતી. કોર્ટે તમિલનાડુ સરકારને યુનિવર્સિટીની અરજી અંગે પોતાનો જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. સાથે જ કેસને અંતિમ સુનાવણી (Final Hearing) માટે સૂચિબદ્ધ કર્યો છે.

જમીનના બદલામાં બીજી જમીન આપવાની ઓફર

સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકાર તરફથી હાજર વરિષ્ઠ વકીલ જયદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે સરકાર સમાધાન (Amicable Settlement) કરવા ઇચ્છુક નથી અને તેને પોતાની જમીન પરત જોઈએ છે. બીજી તરફ, યુનિવર્સિટી તરફથી વકીલ મુકુલ રોહતગી અને અભિષેક સિંઘવીએ દલીલ કરી હતી કે સંસ્થા વિવાદનો ઉકેલ લાવવા માટે સરકારને બીજી વૈકલ્પિક જમીન (Alternative Land) આપવા તૈયાર છે, પરંતુ રાજ્ય સરકાર આ પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે 21 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને વિવાદિત 31.37 એકર જમીનના બદલામાં યોગ્ય વૈકલ્પિક જમીન સ્વીકારવાની શક્યતા તપાસવા જણાવ્યું હતું. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આ જમીનનો ઉપયોગ જાહેર હિત (Public Purpose) સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થા દ્વારા થઈ રહ્યો છે. તેથી યુનિવર્સિટીને હટાવવા અને ઇમારતો તોડી પાડવાની સરકારની જીદ સામે પણ સવાલ ઉઠાવ્યો હતો.

જાહેરાત

લગભગ ત્રણ દાયકાથી ચાલી રહ્યો છે વિવાદ

આ વિવાદનો સંબંધ તંજાવુરના તિરુમલૈસમુદ્રમ વિસ્તારમાં આવેલી SASTRA યુનિવર્સિટી સાથે છે. અગાઉ મદ્રાસ હાઈકોર્ટે યુનિવર્સિટીને સરકારી જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, 15 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે તે આદેશ પર રોક લગાવી હતી અને રાજ્ય સરકારને આ મામલાને પ્રતિષ્ઠાનો પ્રશ્ન (Prestige Issue) ન બનાવવા ટકોર કરી હતી. હવે સુપ્રીમ કોર્ટના તાજા આદેશથી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી યુનિવર્સિટીને રાહત મળી રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત