ભારત વૈશ્વિક જ્ઞાનકેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે, 10 વર્ષમાં યુનિવર્સિટીઓની સંખ્યા 760થી વધીને 1400ને પાર

ભારત વૈશ્વિક જ્ઞાનકેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે, 10 વર્ષમાં યુનિવર્સિટીઓની સંખ્યા 760થી વધીને 1400ને પાર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

'ભારતની તાકાત તેની વિવિધતામાં રહેલી છે. જુદી જુદી સંસ્કૃતિઓને આવકારવી, તેમનું સન્માન કરવું અને તેમને અપનાવવાની ઉદારતા જ ભારતની આગવી ઓળખ છે', એમ ભારતના ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને પુણે ખાતે સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીના 23મા પદવીદાન સમારોહમાં સંબોધન કરતાં જણાવ્યું હતું.

યુનિવર્સિટીઓની સંખ્યા વધીને 1400ને પાર

જાહેરાત

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શિક્ષણ એ દેશો, સંસ્કૃતિઓ અને સમાજોને જોડવાનું સશક્ત માધ્યમ બનવું જોઈએ. ભારત આજે વૈશ્વિક જ્ઞાાનકેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. વર્ષ 2014-15માં દેશમાં 760 યુનિવર્સિટીઓ હતી, જેની સંખ્યા હવે વધીને 1400ને પાર થઈ છે. આઇઆઇટીની સંખ્યા 16થી વધીને 23 અને આઇઆઇએમની સંખ્યા 13થી વધીને 22 થઈ છે. ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ 3.4 કરોડથી વધીને 4.5 કરોડને વટાવી ગઈ છે.

દુબઈમાં શરૂ કરાયું યુનિવર્સિટીનું આંતરરાષ્ટ્રીય કેમ્પસ

મહિલા સશક્તિકરણ માટે શિક્ષણ અનિવાર્ય હોવાનું જણાવી ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, મહિલાઓને યોગ્ય શિક્ષણ આપવું એ તેમને સશક્ત બનાવવાનો સૌથી અસરકારક માર્ગ છે. તેમણે સિમ્બાયોસિસ મેડિકલ કોલેજ ફોર વુમનની સ્થાપનાને આવકારતાં જણાવ્યું હતું કે, તેનાથી મહિલાઓને તબીબી શિક્ષણની તક મળવાની સાથે દેશની આરોગ્યસેવામાં યોગદાન આપવાનો માર્ગ પણ મોકળો થયો છે. યુનિવર્સિટીના શૈક્ષણિક વિસ્તરણનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2025-26માં અહીં 62 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જેમાં 29 હજારથી વધુ વિદ્યાર્થિનીઓ અને 85 દેશોના ત્રણ હજારથી વધુ વિદેશી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2024માં દુબઈમાં શરૂ કરાયેલું યુનિવર્સિટીનું આંતરરાષ્ટ્રીય કેમ્પસ પણ ભારતના વધતા વૈશ્વિક શૈક્ષણિક પ્રભાવનું ઉદાહરણ છે.

"શિક્ષણ માત્ર વ્યવસાયલક્ષી કૌશલ્યો પૂરતું મર્યાદિત નથી"

ટેક્નોલોજી અને વિજ્ઞાાનના ક્ષેત્રે ઝડપથી બદલાતા વિશ્વમાં પદવી મેળવ્યા બાદ પણ અભ્યાસ ચાલુ રાખવો જરૂરી છે, તેમ રાધાકૃષ્ણને જણાવ્યું હતું. કૃત્રિમ બુદ્ધિમત્તા, ડિજિટલ ટેક્નોલોજી અને પુનઃપ્રાપ્ય ઊર્જા જેવી નવીનતાઓ વચ્ચે વિદ્યાર્થીઓએ સતત નવું શીખવાની તૈયારી રાખવી જોઈએ. શિક્ષણ માત્ર વ્યવસાયલક્ષી કૌશલ્યો પૂરતું મર્યાદિત ન રહેતાં વિદ્યાર્થીઓમાં નૈતિકતા, ચારિત્ર્ય અને સામાજિક જવાબદારીનું સિંચન પણ કરે તે જરૂરી છે. ભારતના આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સહયોગનો ઉલ્લેખ કરતાં તેમણે આઇટીઇસી કાર્યક્રમ અને તાન્ઝાનિયાના ઝાંઝીબારમાં આઇઆઇટી મદ્રાસના કેમ્પસને મહત્ત્વપૂર્ણ પહેલ ગણાવી હતી. તેમણે વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા, અન્ય લોકોને પણ તે અંગે જાગૃત કરવા અને વ્યક્તિગત પ્રગતિની સાથે સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત