PM બન્યા બાદ પ્રથમવાર ભારત આવી રહ્યા છે બાલેન શાહ, આવતીકાલે PM મોદી સાથે બેઠક

ભારત અને નેપાળ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે નેપાળના વડાપ્રધાન બાલેન શાહ આજે રવિવારથી બે દિવસીય ભારત પ્રવાસે આવી રહ્યા છે. માર્ચ 2026માં વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યા બાદ તેમની આ પ્રથમ સત્તાવાર ભારત યાત્રા છે. આ મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, ઊર્જા, જળ, ડિજિટલ કનેક્ટિવિટી અને ટેકનોલોજી સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થશે.
વિદેશ મંત્રાલય (MEA) ના જણાવ્યા અનુસાર, બાલેન શાહ આજે રવિવારે દિલ્હી પહોંચશે. તેઓ સાંજે 6 વાગ્યે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરશે. આ બેઠક હોટલ તાજ પેલેસ ખાતે યોજાશે.
જ્યારે, સોમવાર 23 નવેમ્બરના રોજ બાલેન શાહનું રાષ્ટ્રપતિ ભવન ખાતે સવારે 10 વાગ્યે ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ સવારે 10:40 વાગ્યે તેઓ રાજઘાટ પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરશે. સવારે 11 વાગ્યે હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 નવેમ્બરના રોજ બાલેન શાહ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ દરમિયાન બંને નેતાઓ ભારત-નેપાળ સંબંધોની સંપૂર્ણ સ્થિતિની સમીક્ષા કરશે અને પરસ્પર હિત સાથે જોડાયેલા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત કરશે.
બપોરે 12:25 વાગ્યે હૈદરાબાદ હાઉસ ખાતે બંને દેશો વચ્ચે સમજૂતી કરારો (MoUs) નું આદાન-પ્રદાન અને પ્રેસ સ્ટેટમેન્ટ જારી કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 3:15 વાગ્યે બાલેન શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે રાષ્ટ્રપતિ ભવન ખાતે મુલાકાત કરશે. સાંજે 4:50 વાગ્યે તેમનો ભારત પ્રવાસ સમાપ્ત થશે.
MEA એ જણાવ્યું હતું કે, બાલેન શાહની આ યાત્રા બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચ-સ્તરીય સંપર્કની પરંપરાને આગળ ધપાવે છે. મંત્રાલય મુજબ, આ યાત્રા ભારતની 'નેબરહુડ ફર્સ્ટ પોલિસી' હેઠળ નેપાળ સાથેના સંબંધોને આપવામાં આવતા મહત્વને દર્શાવે છે. તેનાથી બંને દેશો વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવા અને પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગને આગળ વધારવાની તક મળશે.
બાલેન શાહનો આજનો કાર્યક્રમ
બાલેન શાહ આજે બપોરે 3:15 વાગ્યે દિલ્હીના IGIA ના ટર્મિનલ-3 પર પહોંચશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે તેમની વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક થશે. આ મુલાકાત હોટલ તાજ પેલેસ ખાતે યોજાશે.
23 નવેમ્બરનો કાર્યક્રમ
સોમવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે ઔપચારિક સ્વાગત થશે. સવારે 10:40 વાગ્યે રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ 11 વાગ્યે હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજાશે. બપોરે 12:25 વાગ્યે MoUs નું એક્સચેન્જ અને પ્રેસ બ્રીફિંગ થશે. બપોરે 3:15 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત થશે અને સાંજે 4:50 વાગ્યે બાલેન શાહ ભારતથી રવાના થશે.













