સંવેદનશીલ કામ માટે WhatsApp Webનો ઉપયોગ ટાળો: ગૃહ મંત્રાલયની ચેતવણી, એક્ટિવ સેશનથી એકાઉન્ટ હેક થવાનો ખતરો

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) હેઠળ કાર્યરત ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)એ WhatsApp Webના ઉપયોગ અંગે મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. 18 નવેમ્બરના રોજ નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU) દ્વારા જારી કરાયેલી એડવાઇઝરીમાં જણાવાયું છે કે WhatsApp Webનું ઓથેન્ટિકેટેડ સેશન (Authenticated Session) ખુલ્લું રહી જાય તો તેનો દુરુપયોગ કરીને એકાઉન્ટમાં અનધિકૃત પ્રવેશ મેળવી શકાય છે. આવી સ્થિતિમાં સાયબર ગુનેગારો યુઝરના ખાનગી મેસેજ વાંચી શકે છે, તેના નામે અન્ય લોકોને મેસેજ મોકલી શકે છે અને ગ્રુપ ચેટનો પણ દુરુપયોગ કરી શકે છે. ખાસ કરીને ઓફિસના કમ્પ્યુટર, શેર કરેલી સિસ્ટમ, જાહેર કમ્પ્યુટર અથવા અન્ય વ્યક્તિની પહોંચમાં હોય તેવા ડિવાઇસ પર WhatsApp Webનો ઉપયોગ કરનારાઓએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે.
WhatsApp Web હેક થયું હોવાનો દાવો નથી
એડવાઇઝરીમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે WhatsApp Web પોતે હેક થયું હોવાનો દાવો નથી. ચિંતા એ છે કે જો કોઈ વ્યક્તિ પોતાનું એકાઉન્ટ કમ્પ્યુટર પર લોગિન રાખીને લોગઆઉટ કરવાનું ભૂલી જાય, તો અન્ય વ્યક્તિ તે સેશનનો દુરુપયોગ કરી શકે છે. ઓગસ્ટ મહિનામાં પણ ગૃહ મંત્રાલયે WhatsApp એકાઉન્ટ હાઇજેક કરીને કરવામાં આવતા સાયબર ફ્રોડ અંગે ચેતવણી આપી હતી. તે સમયે એકાઉન્ટ સ્ટેટમેન્ટ અથવા સરકારી સંદેશાના નામે મોકલવામાં આવતી શંકાસ્પદ ફાઇલો દ્વારા Windows કમ્પ્યુટરને સંક્રમિત કરી સક્રિય WhatsApp Web સેશન પર કબજો મેળવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા.
સુરક્ષિત રહેવા માટે શું કરવું?
ગૃહ મંત્રાલયની એડવાઇઝરી અનુસાર, સરકારી, નાણાકીય, સંસ્થાકીય કે અન્ય સંવેદનશીલ માહિતીની આપ-લે WhatsApp Web મારફતે કમ્પ્યુટર પર કરવાનું ટાળવું જોઈએ. દરેક ઉપયોગ પછી મેન્યુઅલી લોગઆઉટ કરવું જરૂરી છે. માત્ર બ્રાઉઝરની ટેબ કે વિન્ડો બંધ કરવાથી લોગઆઉટ થતું નથી. જો WhatsApp Webનો ઉપયોગ અનિવાર્ય હોય તો વિશ્વસનીય કમ્પ્યુટર પર ઇન્કોગ્નિટો (Incognito) અથવા પ્રાઇવેટ બ્રાઉઝિંગ મોડનો ઉપયોગ કરીને કામ પૂરું થયા પછી લોગઆઉટ કરવું જોઈએ. સાયબર કેફે, હોટેલના બિઝનેસ સેન્ટર અને અજાણ્યા કમ્પ્યુટર પર લોગિન કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત, પોતાના નંબર પરથી અજાણ્યા મેસેજ મોકલાવા, સંપર્કોમાંથી અણધાર્યા જવાબ આવવા જેવી અસામાન્ય પ્રવૃત્તિઓ પર નજર રાખવી જોઈએ. કમ્પ્યુટર, બ્રાઉઝર અને સુરક્ષા સોફ્ટવેર અપડેટ રાખવા તથા અજાણી ફાઇલો અને શંકાસ્પદ ડાઉનલોડથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.












