રાજકીય પક્ષોને એજન્ડા રજૂ કરતા કેવી રીતે રોકી શકાય? સુપ્રીમ કોર્ટનો સવાલ, ન્યાયિક પ્રક્રિયામાં દખલના આક્ષેપો પર સુનાવણી

રાજકીય પક્ષોને પોતાનો એજન્ડા રજૂ કરતા કેવી રીતે રોકી શકાય? એવો સવાલ સુપ્રીમ કોર્ટે સોમવારે ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઊભો કરવાના આક્ષેપો સાથે જોડાયેલી અરજીની સુનાવણી દરમિયાન કર્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અપારેશ કુમાર સિંહની બેન્ચ સમક્ષ બે વકીલો દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં કેટલાક રાજકારણીઓ અને અન્ય લોકો દ્વારા ન્યાયતંત્ર અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ તથા સોશિયલ મીડિયા પોસ્ટ્સનો ઉલ્લેખ કરાયો હતો. અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગૌરવ ભાટિયાએ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંત વિરુદ્ધ એક વકીલ દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે અરજી દાખલ થયા બાદ આવી વધુ બે ઘટનાઓ બની છે અને આ ગંભીર બાબત છે. આ અંગે બેન્ચે પૂછ્યું હતું કે, જો આ મામલો રાજકીય પક્ષોના એજન્ડા સાથે સંબંધિત નથી, તો પછી અરજીમાં તમામ મુદ્દાઓને એકસાથે કેમ જોડવામાં આવ્યા છે? કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે આ મુદ્દો સંસદમાં ઉઠાવીને કાયદો બનાવવાની માગ કેમ કરવામાં આવતી નથી.
અરજી CJI સમક્ષ મૂકવાનો નિર્દેશ
સુનાવણી દરમિયાન બેન્ચે નોંધ્યું હતું કે અરજીમાં ઉલ્લેખિત એક ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટની અન્ય બેન્ચ સમક્ષ પહેલેથી જ અવમાનનાની કાર્યવાહી ચાલી રહી છે. 18 નવેમ્બરે જસ્ટિસ દીપાંકર દત્તાની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચે CJI વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા વકીલ સામે કાર્યવાહી કરવાની માગ કરતી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની અરજી પર નોટિસ જારી કરી હતી. આથી બેન્ચે વર્તમાન અરજી પણ એ જ બેન્ચ સમક્ષ મૂકવી યોગ્ય ગણાવી હતી. કોર્ટે રજિસ્ટ્રીને આ મામલાના દસ્તાવેજો યોગ્ય આદેશ માટે CJI સમક્ષ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ અરજીમાં કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, કોંગ્રેસ, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, સાંસદ મહુઆ મોઇત્રા સહિતના લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. અરજીમાં 12 ઓક્ટોબરે રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ અને મતદારોનાં નામ કમી કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી કરેલા માર્ચનો પણ ઉલ્લેખ કરાયો હતો. અલગ એક કેસમાં સુપ્રીમ કોર્ટે 16 ઓક્ટોબરે શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉત અને પત્રકાર નિખિલ વાગલેને CJI તથા ન્યાયતંત્ર અંગેની ટિપ્પણીઓ મામલે ફોજદારી અવમાનનાની કાર્યવાહી હેઠળ કારણદર્શક નોટિસ પાઠવી હતી.












