અમદાવાદમાં નંબર પ્લેટ વિનાની મોપેડમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, પોલીસે શરૂ કરી તપાસ

બુટલેગરો દારૂની હેરાફેરી માટે નવીન રીતો અપનાવતા હોય છે. ત્યારે અમદાવાદમાં નંબર પ્લેટ વિનાની મોપેડ પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ચાંદખેડા સ્મશાન રોડ પર રાત્રિના સમયે નંબર પ્લેટ વિનાના મોપેડ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ મોપેડમાંથી બોટલો મળી આવી હતી. સ્થાનિક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જેના આધારે મોટેરા પોલીસે અજાણ્યા મોપેડ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાર અકસ્માતે ખોલી બુટલેગરની પોલ, મોપેડમાંથી 14 નંગ દારૂની બોટલ મળી
ચાંદખેડા વિસ્તારમાં સ્મશાન રોડ પર રાત્રે કાર અને નંબર પ્લેટ વિનાના મોપેડ વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મોપેડ ચાલકને નાની-મોટી ઈજાઓ પહોચી હતી. ત્યારે મોપેડની તપાસ કરતા તેમાંથી 14 નંગ દારૂની બોટલ મળી આવી હતી. કાર ચાલક અને સ્થાનિક લોકોએ નંબર પ્લેટ વિનાના મોપેડમાં રહેલી દારૂની બોટલોનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.
પોલીસે અજાણ્યા મોપેડ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો
આ ઘટના અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવતાં ચાંદખેડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બાદમાં હદ મુજબ મોટેરા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી. વાઈરલ થયેલા વીડિયોમાં એક મહિલા નજરે પડે છે અને મોપેડ તે મહિલાનું હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. જોકે, હાલ મોટેરા પોલીસે અજાણ્યા મોપેડ ચાલક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે.
મોપેડના ચેઝીઝ નંબરના આધારે શોધખોળ હાથ ધરાઈ
આ અંગે મોટેરા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું કે, મોપેડ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં દારૂની બોટલો મળી આવતાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વાઈરલ વીડિયોમાં નંબર પ્લેટ વિનાનું મોપેડ અને એક મહિલા હોવાનું જણાય છે. આ મહિલા દ્વારા જ અકસ્માત સર્જાયો છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. મોપેડના ચેઝીઝ નંબરના આધારે મૂળ માલિકની શોધખોળ કરવામાં આવી રહી છે, ત્યારબાદ જ ચોક્કસ હકીકત સામે આવશે.












