અમદાવાદમાં 6 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરનાર આરોપીને 20 વર્ષની કેદ

અમદાવાદના નારણપુરા પોલીસ મથકે ચાલુ વર્ષે 26 વર્ષીય આરોપી ગૌતમ ઠાકોર સામે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એચ.એન.દેસાઈએ સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાક્ષીઓ અને પુરાવા તપાસીને આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે.
6 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
કેસને વિગતો એમ છે કે, આરોપી 6 વર્ષીય બાળકની પડોશમાં રહેતો હતો. આરોપીએ બાળકને ફુગ્ગો અપાવવાની લાલચ આપીને પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું.
બાળકને ₹4 લાખનું વળતર ચૂકવવા આદેશ
પીડાના કારણે બાળક પોતાના ઘરે દોડતો પહોંચ્યો હતો અને ઊંઘી ગયો હતો. બાળક ગભરાયેલો લાગતા તેની માતાએ પૂછપરછ કરી હતી. જેમાં બાળકે માતા સમક્ષ સંપૂર્ણ હકીકત જણાવી હતી. આ પછી, માતાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કેસને લઈને કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ ઉપરાંત બાળકને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા માટે ઓથોરિટીને આદેશ કર્યો છે.










