અમદાવાદના કૃષ્ણનગરમાં મારામારીનો મામલો; શું દારૂના અડ્ડાના વિરોધમાં હુમલો થયો? જુઓ શું કહે છે FIR

શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આદિશ્વર ચોકીની હદમાં ચિત્રકૂટ આવાસ યોજના પાસે બનેલી મારામારીની ઘટના બાદ અનેક ચર્ચાઓ જાગી છે. આ મામલે મળેલી ગુપ્ત માહિતી અને પોલીસ ચોપડે નોંધાયેલી સત્તાવાર FIRની વિગતો વચ્ચે ભારે વિરોધાભાસ સામે આવી રહ્યો છે.
ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર
ગેરકાયદે પ્રવૃત્તિનો વિરોધ
ચિત્રકૂટ આવાસ યોજના પાસે ચાલતા દેશી દારૂના અડ્ડા અને ગેરકાયદે ચિકનની લારીઓનો વિરોધ કરવા બાબતે અસામાજિક તત્વો ઉશ્કેરાયા હતા.
પ્રાણઘાતક હુમલો
વિરોધ કરનાર મહિલા અને અન્ય એક યુવક પર તલવાર તથા તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં મહિલાનો હાથ ભાંગી ગયો હોવાનું અને યુવકના માથાના ભાગે તલવારના ઊંડા ઘા વાગતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ કાર્યવાહી સામે સવાલ
માથા જેવા સંવેદનશીલ અંગ પર ઘાતક હથિયારથી હુમલો થયો હોવા છતાં, પોલીસે જાનથી મારી નાખવાના પ્રયાસ (બીએનએસ કલમ ૧૦૯ / આઈપીસી ૩૦૭) જેવી કડક કલમો દાખલ કરવાને બદલે સામાન્ય મારામારીની કલમો લગાડી કેસ હળવો કરવાનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચા છે.
પોલીસ FIRમાં શું નોંધાયું છે?
બીજી તરફ, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ આ વિવાદ ધંધાકીય સ્પર્ધા અને તકરારનો હોવાનું દર્શાવાયું છે.
1. ફરિયાદીની વિગત: ફરિયાદી ઉર્મિલાબેન પ્રવીણભાઈ ચુનારા (ઉ.વ. ૪૦, રહે. ૩૨૪, ચિત્રકૂટ આવાસ યોજના) પોતે બ્લોક નં. ૧૧ નીચે છૂટક મરઘીનું ચિકન વેચવાનો વેપાર કરે છે.
2. તકરારનું કારણ: બ્લોક નં. ૪૦માં રહેતા રાજુ યાદવે ફરિયાદીના બ્લોક નીચે જ ચિકન વેચવાનું ચાલુ કરતા ફરિયાદીના ભાઈ ગોપાલભાઈ તેમને "ધંધામાં નુકસાન થાય છે" તેમ સમજાવવા ગયા હતા.
3. હુમલો અને હથિયાર: સમજાવટ દરમ્યાન ઉશ્કેરાઈ જઈ રાજુ યાદવ અને તેના બે મિત્રોએ છૂટા હાથે મારામારી કરી હતી. ત્યારબાદ રાજુ યાદવે લાકડાનો દંડો લાવી ઉર્મિલાબેનને ડાબા હાથે અને વચ્ચે પડેલા ગોપાલભાઈને માથામાં ફટકારી ઈજા પહોંચાડી હતી.
4. તોડફોડ અને ધમકી: આરોપીઓએ એક્ટિવા તથા ઈંડાની લારીમાં દંડાથી તોડફોડ કરી ₹૩૦,૦૦૦નું નુકસાન પહોંચાડ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
5. આરોપીઓ: FIRમાં રાજુ યાદવ, કુલદીપ ભદોરીયા અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
તપાસ વિષયક સવાલો
એક તરફ ગુપ્ત સૂત્રો તલવાર વડે પ્રાણઘાતક હુમલા અને દારૂના અડ્ડાના વિરોધની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ ચોપડે લાકડાના દંડાથી થયેલી ધંધાકીય તકરાર દર્શાવવામાં આવી છે. હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બાબતે વધુ તપાસ કરીને સત્ય બહાર લાવે છે કે કેમ તે જોવાનું રહેશે.

