મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: અસામાજિક તત્ત્વોની બીજી યાદી તૈયાર, ગેંગના સભ્યો વિરુદ્ધ થશે કાર્યવાહી

અમદાવાદ શહેર પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કુખ્યાત ગુનેગારોની અલગ અલગ ગેંગની યાદી

અમદાવાદ: અસામાજિક તત્ત્વોની બીજી યાદી તૈયાર, ગેંગના સભ્યો વિરુદ્ધ થશે કાર્યવાહી

અમદાવાદ શહેર પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કુખ્યાત ગુનેગારોની  અલગ  અલગ ગેંગની યાદી તૈયાર કરી છે. ગેંગના સભ્યોના નામ અને તેમના ગુનાહિત ઈતિહાસ સાથે યાદી તૈયાર કરવામાં આવી હતી. આગામી દિવસોમાં આ ગેંગના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

SMC દ્વારા બીજું લિસ્ટ તૈયાર

ગુજસીટોક સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવા પોલીસે જરૂરી કામગીરી શરૂ કરી હતી.સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ ગુનેગારોનું બીજું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. બીજી યાદીમાં સામેલ ૧૦ જેટલા ગુનેગારો પર પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે વસ્ત્રાલની ઘટના બાદ સમગ્ર ગુજરાતની પોલીસ એક્શનમાં આવી છે. 

રાજ્યના 7612 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર

રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7612 શખ્સોની યાદી તૈયાર કરી છે. જેમાં 3264 બુટલેગરો, 2149 શરીર સંબંધિત, 958 મિલકત સંબંધિત, 516 જુગાર, 545 અન્ય શખ્સોની યાદી તૈયાર કરી છે. ત્યારબાદ આ તમામ શખ્સો વૉચ રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણ, શંકાસ્પદ આર્થિક વ્યવહાર સહિતની તપાસ કરવામાં આવશે.

જ્યારે અમદાવાદ શહેરના 25, મોરબીના 12, સુરતના 7, ગાંધીનગરના 6,  વડોદર શહેરના 2 સહિત કુલ 59 વિરૂદ્ધમાં પાસાનો અને 10 જેટલાં શખ્સો વિરૂદ્ધમાં હદપારની કાર્યવાહી સહિત 724 શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પોલીસ દ્વારા આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણ, દબાણો વગેરે મામલે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

1100 જેટલા આરોપીઓની યાદી પણ તૈયાર

નોંધનીય છે કે, આ પહેલાં પણ પોલીસે સમગ્ર અમદાવાદમાં સક્રિય હોય તેવી 10 જેટલી ગેંગની યાદી તૈયાર કરી છે. જેમાં ઘાટલોડિયા, વાડજ, ખોખરા, અમરાઇવાડી, જુહાપુરા, નારોલ, વટવા સહિતના વિસ્તારોમાં સક્રિય હોય તેવી ગેંગનો સમાવેશ થાય છે. જેમાં વેપારીઓ પાસે ખંડણી માંગવી, ડ્રગ્સના નેટવર્ક ચલાવવા, જમીન સહિતની મિલકતો હડપ કરવી, લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલી ગેંગનો સમાવેશ થાય છે. 

ઉપરોક્ત વિવિધ ગેંગ વિરૂદ્ધ શહેરના અનેક પોલીસ સ્ટેશન ઉપરાંત, રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે. ત્યારે ગુનાની ગંભીરતાને આધારે પોલીસ દ્વારા કેટલાંક તત્ત્વો વિરૂદ્ધ ગુજસીટોકના ગુના પણ નોંધાઈ શકે છે. અમદાવાદ પોલીસે માથાભારે ગેંગ ઉપરાંત, બે કે તેથી વઘુ ગુના નોંધાયા હોય તેવા 1100 જેટલા આરોપીઓની યાદી પણ તૈયાર કરી છે.  આ યાદીને રાજ્ય પોલીસ વડાને મોકલીને ગુનાની ગંભીરતાને આધારે કાર્યવાહી કરવાની ગાઇડલાઇન  નક્કી કરાશે.

આ સમાચાર શેર કરો