લોકસભા ચૂંટણી: અમદાવાદની બેઠક 35 વર્ષથી ભાજપનો ગઢ
લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વમાં 18 જ્યારે અમદાવાદ પશ્ચિમમાં 6 ઉમેદવાર વચ્ચે જંગ જામવાનો છે. ઇતિહાસ પર ન

લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વમાં 18 જ્યારે અમદાવાદ પશ્ચિમમાં 6 ઉમેદવાર વચ્ચે જંગ જામવાનો છે. ઇતિહાસ પર નજર કરવામાં આવે તો અમદાવાદની બેઠક છેલ્લા 35 વર્ષથી ભાજપનો 'ગઢ' બની રહી છે. આ બેઠકમાં કોંગ્રેસે છેલ્લે 1984માં વિજય મેળવ્યો હતો. 2009થી અમદાવાદ ઇસ્ટ અને અમદાવાદ વેસ્ટ એમ બે બેઠકમાં અસ્તિત્વમાં આવેલી છે.
અમદાવાદની બંને બેઠકમાં 37.22 લાખથી વધુ મતદારો
ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો બાદ લોકસભાની સૌ પ્રથમ ચૂંટણી 1962માં યોજાઇ હતી. જેમાં એનજેપીના ઇન્દુલાલ યાજ્ઞિકનો 21592 મતના અંતરથી વિજય થયો હતો. આ પછી 1967માં ઇન્દુલાલ યાજ્ઞિક અપક્ષ તરીકે ઉતર્યા હતા અને તેમ છતાં તેમણે 84797 મતથી જીત મેળવી હતી.
ભાજપ કે કોંગ્રેસ સિવાય અન્ય કોઇ પક્ષ-અપક્ષના ઉમેદવારે વિજય મેળવ્યો હોય તેવી આ અંતિમ ઘટના હતી. આ પછી 1971-1977-1984માં કોંગ્રેસ, 1980માં કોંગ્રેસ આઇના વિજય થયા હતા. 1989થી ભાજપ આ બેઠકમાં સતત વિજય મેળવતો આવ્યો છે.
અમદાવાદમાં સૌથી વધારે મતના અંતરે વિજય મેળવવાનો રેકોર્ડ ભાજપના હસમુખ પટેલના નામે છે, તેમણે 2019માં 4.24 લાખના અંતરથી વિજય મેળવ્યો હતો. 1977માં કોંગ્રેસના અહેસાન જાફરીએ માત્ર 10 હજારના અંતરથી જીત મેળવી હતી. અમદાવાદમાં સૌથી ઓછા મતના અંતરથી જીતનો આ રેકોર્ડ છે.
હવે બેઠક પ્રમાણે જોવામાં આવે તો અમદાવાદ ઇસ્ટમાં વિધાનસભાની 7 જ્યારે અમદાવાદ વેસ્ટની 7 બેઠકો છે.
આ વખતે અમદાવાદ ઇસ્ટમાં 20.10 લાખ જ્યારે અમદાવાદ વેસ્ટમાં 17.11 લાખ મતદારો છે. મતદાનમાં અમદાવાદ નીરસ રહ્યું છે. 2009,2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં 63 ટકાથી પણ ઓછું મતદાન નોંધાયું છે. અમદાવાદ બેઠક પરથી હરિન પાઠક 1989,1991,1996,1998,1999,2004,2009 એમ સૌથી વધુ સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.








