અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 3.33 કરોડની છેતરપીંડીના કેસમાં બિલ્ડર જયદીપ કોટકના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
અમદાવાદ શહેરના બોપલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર જયદીપ કોટક અને હિરેન કારિયા સામે મકાન અને દુક

અમદાવાદ શહેરના બોપલ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર જયદીપ કોટક અને હિરેન કારિયા સામે મકાન અને દુકાન વેચવાના નામે એક સિનિયર સીટીઝન સાથે 3.33 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આજે જયદીપ કોટકની ધરપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બોપલ પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, કોર્ટે 8 જાન્યુઆરી 2025 બપોરે 2:30 વાગ્યા સુધીના એટલે કે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપી જયદીપ કોટક તપાસમાં સહકાર ન આપતો હોવાની દલીલ
બોપલ પોલીસે ગઈકાલે બપોરે 2.15 વાગ્યે આરોપી જયદીપ કોટકની અટકાયત કરી હતી. આરોપી જયદીપ કોટકને બોપલ પોલીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જજ સમક્ષ રજૂ કર્યો હતો, જેમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી જયદીપ કોટક તપાસમાં સહકાર નથી આપી રહ્યો.
આરોપીએ સેલેસ્ટીયલ બાય 14 સ્ટોરે સ્કીમમાં 219 જેટલા ફ્લેટ/દુકાનોના બુકિંગ કરેલા છેઅને રિચમંડ બાય 22 સ્ટોરે સ્કીમમાં ફ્લેટ/દુકાનોની સાથે એક 7 માળની સ્કીમ પણ વેચાણ માટે મૂકી હોવાનુ ખુલ્યું છે. આરોપી પાસેથી 2 નોટરાઈઝ MOU પણ પોલીસને મળ્યા છે. આરોપી જયદીપ કોટક પોતાના ભાગીદાર હિરેન કારીયા અંગે માહિતી અને લોકેશન આપતો ન હોવાની દલીલ કરવામાં આવી હતી.
આરોપીઓએ પ્રિવિલોન બિલ્ડકોનના નામે કરી છેતરપિંડી
આરોપીઓ જયદીપ કોટક અને હિરેન કારીયાએ ભેગા મળી પુર્વઆયોજીત કાવતરું રચી પ્રીવીલોન બીલ્ડકોન એલ.એલ.પી નામની ભાગીદારી પેઢી બનાવી હતી. આ પેઢીના નામે ખોટો પ્રચાર કર્યો હતો કે તેમણે ઘુમા ગામની સીમ સર્વે નં. 632-A વાળી ખુલ્લી જમીન પોતાના માલીકીની રાખી છે. આ જમીન પણ નીચે દુકાન અને તેના પર 22 માળની ફ્લેટની યોજના બનાવવાની હોવાની જાહેરાતો કરતા બોર્ડ લગાવ્યા હતા. આરોપીએ લોકોને વિશ્વાસમાં લેવા માટે સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં પણ ખોટી જાહેરાતો ફરતી કરી હતી.
ફ્લેટ અને દુકાન વેચવાના નામે 2 કરોડ 23 લાખની છેતરપિંડી
આરોપીઓ જયદીપ કોટક અને હિરેન કારીયાએ સાણંદમાં રહેતા 65 વર્ષીય ભાવેશભાઈ ભોગીભાઈ રવાણી સાથે ફ્લેટ અને દુકાન વેચવાના નામે 2 કરોડ 23 લાખની છેતરપિંડી કરી છે. આરોપીઓએ ઘુમાની નકલી સાઈટ પર ‘રિચમન્ડ બાય પ્રીવીલોન’ નામની 22 માળની નકલી સ્કીમમાં ગ્રાઉન્ડ ફ્લોરની એક દુકાન પેટે 56 લાખ અને એક ફ્લેટ પેટે 1 કરોડ 67 લાખ 86 હજાર એમ કુલ મળી 2 કરોડ 23 લાખ રકમ રોકડ, ચેક અને RTGS મારફતે પડાવી લીધા હતા. આરોપીએ આ મિલ્કતોના નકલી દસ્તાવેજો પણ ખરીદનારને આપ્યા હતા અને બાદમાં નકલી સ્કીમના બોર્ડ રાતોરાત ઉતારી લીધા હતા.
નાણા પરત માંગતા હત્યાની ધમકી આપી
ફરિયાદી ભાવેશભાઈ રવાણીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા તેમણે જયદીપ કોટક અને હિરેન કારીયા પાસે પોતાના નાણા પરત માંગ્યા હતા. ત્યારે આ બંનેએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી નાણા પરત ન કરતા ભોગ બનનાર ભાવેશભાઈ રવાણીએ બંને વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને હત્યાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.








