Ahmedabad news: ચાણક્યપુરીમાં પ્રેમ પ્રકરણમાં બે રાઉન્ડ ફાયરિંગ, યુવક ઈજાગ્રસ્ત
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અંગત અદાવત રાખીને આરોપીઓએ એક યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી મુજબ, હુમલાખોર મોન્ટુ દેસાઈની કાકાની દીકરીને પાટણના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ બાબતે અગાઉ પણ બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો, જેમાં તે સમયે સમાધાન પણ થઈ ગયું હતું. જોકે, મોન્ટુ દેસાઈના મનમાં આ વાતનો રોષ યથાવત હતો. જ્યારે મોન્ટુ અને યુવક બંને ચાણક્યપુરી વિસ્તારમાં ભેગા થયા, ત્યારે તેમની વચ્ચે ફરીથી બોલાચાલી થઈ હતી. ઉગ્ર બનેલા મોન્ટુ દેસાઈએ પોતાની પાસે રાખેલી રિવોલ્વર કાઢી યુવક પર ફાયરિંગ કર્યું હતું. મોન્ટુએ યુવકના પગમાં ગોળી મારતા યુવક લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.
આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. આસપાસના લોકો એકઠા થઈ જતા આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક અસરથી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ પર તબીબો દેખરેખ રાખી રહ્યા છે.






