મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ / રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલના ટ્રસ્ટી-આચાર્યને DEOએ ફટકારી નોટિસ, “તમારા વિરુદ્ધ FIR કેમ ન કરવી?”

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્

અમદાવાદ / રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલના ટ્રસ્ટી-આચાર્યને DEOએ ફટકારી નોટિસ, “તમારા વિરુદ્ધ FIR કેમ ન કરવી?”

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલના વિવાદમાં હવે જિલ્લા શિક્ષણાધિકારીએ આકરું વલણ દાખવતા સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્યને કારણ દર્શક નોટિસ ફટકારી રૂબરૂમાં ખુલાસો કરવા આદેશ કર્યો છે. 

તમારા વિરુદ્ધ FIR કેમ ન કરવી? - DEO 

અમદાવાદ DEOએ રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલના ટ્રસ્ટી અને આચાર્યને ફટકારેલી કારણ દર્શક નોટિસમાં જણાવ્યું છે કે શાળામાં ધોરણ-9માં વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા અને લિવિંગ સર્ટિ આપી દેવા મામલે શાળાને 23-04-2024ના રોજ પત્ર લખી નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારે તમે રૂબરૂ હાજર રહી ધોરણ-9માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા ખાતરી આપી હતી. 

આમ છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપીને આદેશનું ઉલ્લઘન કર્યું  છે તથા આ બાબતે ગરીબ અને મધ્યમ વર્ગનાં વિદ્યાર્થીઓનો પ્રવેશ અટકાવી વાલીઓ અને વિદ્યાર્થીઓને માનસીક ત્રાસદાયક સ્થિતી ઉભી કરતા હોય તેવું જણાય છે. 

આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને અન્ય ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે દબાણ કરી અન્ય ખાનગી શાળાઓ સાથે મીલીભગત કરી અન્ય શાળાઓનો પ્રચાર-પ્રસાર કરતા હોય તેવું ધ્યાન પર આવ્યું છે.

આ સર્વ પ્રવૃતિઓ દ્વારા આપના દ્વારા શિક્ષણના સેવાકીય પ્રવૃતિઓમાં નફાખોરીનો પ્રયત્ન હોય તેવું જણાય છે. આ સર્વ બાબતો ખુબજ ગંભીર છે, માટે આપના આ મનસ્વી વર્તન બદલ શાળાના ટ્રસ્ટી વિરુદ્ધ નિયમ અનુસારની FIR  કેમ દાખલ ન કરવી તથા શાળાના આચાર્ય તેમજ સંકળાયેલ અન્ય કર્મચારીઓ  વિરુદ્ધ  શિસ્ત વિષયક કાર્યવાહી કેમ ન કરવી? તે આ નોટિસ મળેથી તાત્કાલીક હાજર રહી રુબરુમાં ખુલાસો  કરવા જણાવવામાં આવે છે.

DEO કચેરીની આ નોટિસમાં અંતે એમ પણ કહેવામાં આવ્યું છે કે જો આ નોટિસ  મળ્યાં બાદ આપના દ્વારા રૂબરૂમાં હાજર રહી ખુલાસો નહી કરવામાં આવેતો એક તરફી કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની ગંભીરતાથી નોંધ લેવી. 

શું છે સમગ્ર મામલો? 

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં રાજસ્થાન સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલનું સંચાલન કરવામાં આવે છે. રાજસ્થાન સેવા સમિતિ દ્વારા આ જ શિક્ષક સંકુલમાં જ્ઞાનોદય હિન્દી પ્રાથમિક શાળા ચાલે છે. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ધોરણ-8માં પાસ થાય પછી સંસ્થાની જ રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં ધોરણ-9માં પ્રવેશ મેળવે છે.  

રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ સ્કૂલે ધોરણ-9ના વર્ગો બંધ કરી દીધા. શાળાના આ નિર્ણય સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો.  વાલીઓએ કહ્યું હતું 23 એપ્રિલે જ્યારે એડમિશન માટે આવ્યા ત્યારે સ્કૂલના સંચાલકો દ્વારા લિવિંગ સર્ટિફિકેટ પકડાવી દેવામાં આવ્યા હતા અને કહ્યું કે વિદ્યાર્થીઓને અહીંથી લઇ જાઓ. અમે ધોરણ-9માં વર્ગો બંધ કરી રહ્યાં છીએ. જ્યારે વાલીઓએ શાળાના સંચાલકોને સવાલ પૂછ્યો કે કેમ બંધ કરી રહ્યાં છો તો સંચાલકોએ ઉડતો જવાબ આપ્યો હતો કે અમારી પાસે શિક્ષક નથી. તમે 8મું ધોરણ, 10મું ધોરણ અને 11મું ધોરણ ભણાવી શકો છો પણ નવમા ધોરણ માટે શિક્ષક નથી.

રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલના ટ્રસ્ટી દીપચંદ બાફલા

આ મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની મુલાકાત લીધી હતી અને  વર્ગ બંધ ન કરવા માટે આદેશ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સ્કૂલ બંધ કરવા કોઈ મંજૂરી લેવામાં આવી નથી. તથા ગ્રાન્ટેડ સ્કૂલ હોવાથી બંધ કરી શકાશે નહીં.  જો વર્ગ પ્રમાણે વિદ્યાર્થીની સંખ્યા હોય તો એ વર્ગ ચાલુ જ રાખવા પડે. ગ્રાન્ટેડ શાળા માટે વિદ્યાર્થીઓની સંખ્યા 36 છે,એ પ્રમાણે જો સંખ્યા જળવાય તો શાળા ચાલુ જ રહેશે. શિક્ષકની જરૂરીયાત હોય તો સરકાર દ્વારા કરવામાં આવતી જ્ઞાન શહાયકની ભરતીમાંથી તેઓ લઈ શકે છે. 

DEOએ શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સૂચના આપ્યાં છતા શાળાના સંચાલકો ધોરણ-9ના વર્ગો બંધ કરવા માંગે છે. રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલના ટ્રસ્ટી  દીપચંદ બાફલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમદાવાદ DEOએ ધોરણ-9ના વર્ગોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બાબતે અમને લેખિતમાં કશું આપ્યું નથી. જે બાદ આજે DEOએ આ મામલે શાળાના ટ્રસ્ટી અને આચાર્યને કારણ દર્શક નોટિસ ફટકારી રૂબરૂમાં ખુલાસો કરવા કહ્યું છે. 

આ સમાચાર શેર કરો