અમદાવાદ / CID ક્રાઇમે ગેરકાયદે કોલ સેન્ટર ચલાવનારા છ આરોપીઓની કરી ધરપકડ, 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad News : અમદાવાદ CID ક્રાઇમે રામોલ વિસ્તારમાં અને હોટલ પ્રાઇડમાં રેડ

Ahmedabad News : અમદાવાદ CID ક્રાઇમે રામોલ વિસ્તારમાં અને હોટલ પ્રાઇડમાં રેડ કરી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી અમેરિકન નાગરિકોને છેતરનારા છ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે રામોલ ટોલ ટેક્સ પાસે આવેલા એક કોમ્પલેક્સ અને હોટલ પ્રાઇડમાં રેડ કરીને પ્રોસેસર, કોલ સેન્ટરના માલિક, ડેટા પ્રોવાઇડર સહિતના તમામ લોકોને ઝડપી પાડી 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મુખ્ય આરોપી સાગર આંધ્રપ્રદેશમાં મોટું કોલ સેન્ટર ચલાવે છે
CID ક્ક્રાઈમના સી.આઈ સેલને બાતમી મળી હતી કે સાગર પટેલ ઉર્ફે એસ.પી આંધ્રપ્રદેશમાં 40 છોકરાઓને ટેલીકોલર તરીકે નોકરી પર રાખીને કોલ સેન્ટર ચલાવે છે. જેથી પોલીસે રામોલ ટોલટેક્સ પાસેના એક કોમ્પલેક્સમાં રેડ કરીને કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. રામોલ ખાતેથી પોલીસે સાગરના કોલ સેન્ટરના પ્રોસેસર હાર્દીપ નંદાણીયા, જૈવીક સુદાણી અને હાર્દીક પટેલની ધરપકડ કરી હતી.
અમેરિકન નાગરિકોને છેતરીને ક્રીપ્ટોમાં રોકાણ કરાવતા હતા
આરોપીઓ તેમના મળતિયાઓ સાથે મળીને અમેરિકન નાગરિકોને ફોન કરીને પે ડે લોન કંપનીના તથા સાયબર એટેકના નામે ડરાવીને એક હજાર કે બે હજાર ડોલર ક્રીપ્ટોમાં જમા કરાવવાનું કહેતા હતા. બાદમાં ચાઈનાના પ્રોસેસર મારફતે ડોલરને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરાવી લેતા હતા. તમામ લોકો રામોલ ખાતે જૈવીકની ઓફિસમાં બેસીને કોલ સેન્ટર ચલાવતા અને આંધ્રપ્રદેશની ઓફિસનું અહીં બેસીને સંચાલન કરતા હતા.
હાર્દિક બે ટકા કમિશન લઈ સાગર માટે કામ કરતો હતો
હાર્દિક આંધ્રપ્રદેશના કોલ સેન્ટર માટે પ્રોસેસર તરીકે કામ કરતો હતો. ટેલીગ્રામ મારફતે એકાઉન્ટની વિગતો મેળવીને સાગર પટેલને આપતો હતો અને બે ટકા કમિશન કાપીને સાગરને આપતો હતો. જ્યારે જૈવિક કોલ પ્રોવાઇડરની સાથે અમેરિકન નાગરિકોનો ડેટા પણ આપતો હતો. જ્યારે આરોપી હાર્દિક પટેલ કોલ પ્રોવાઇડર તરીકે કામ કરતો હતો. આ આરોપીઓની પૂછપરછમાં કોલ સેન્ટરના માલિક સાગર પટેલ અને અભિષેક બનવીર પ્રાઇડ હોટલમાં હોવાની માહિતી મળતા પોલીસે ત્યાં રેડ કરીને તે બંનેને પણ ઝડપી પાડ્યા હતા.
CID ક્રાઇમે 54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
આરોપીઓ મુંબઇ, ગુજરાત, ગોવા, ચંદીગઢ, દિલ્હી, હૈદરાબાદમાં ડેટા પ્રોવાઇડ કરતા હતા. ત્યારે પોલીસે આરોપી સાગર પટેલ, હાર્દીપ નંદાણીયા, જૈવિક ઉર્ફે ખાણ સુદાણી, હાર્દિક પટેલ, અભિષેક બનવીર, હિરેન પટેલની ધરપકડ કરીને 13 ફોન, 3 ગાડી અને રોકડા મળી 54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બે લોકોની શોધખોળ હાથ ધરી છે.








