મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશનેથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો, 16 જીવતા કારતૂસ અને પિસ્તોલ જપ્ત

કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી રેલવે પો

કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશનેથી હથિયારો સાથે અગ્નિવીર જવાન ઝડપાયો, 16 જીવતા કારતૂસ અને પિસ્તોલ જપ્ત
આ સમાચાર સાંભળો

કચ્છના ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસે હથિયારોના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. પકડાયેલો યુવક ઉત્તર પ્રદેશના બાગપતનો રહેવાસી અજયકુમાર નૈન છે, જે ભારતીય સૈન્યની જાટ રેજિમેન્ટમાં અગ્નિવીર તરીકે ગલવાન ઘાટીમાં ફરજ બજાવે છે અને હાલમાં જ રજા પર ઉતર્યો હતો.

પોલીસને જોઈને લપાવાનો પ્રયાસ કરતા ભાંડો ફૂટ્યો

મળતી માહિતી અનુસાર, ગઈકાલે (27મી મે) બરેલી-ભુજ આલા હઝરત ટ્રેન ગાંધીધામ રેલવે સ્ટેશને આવી ત્યારે અજય નૈન તેમાંથી ઉતર્યો હતો. પ્લેટફોર્મ નંબર એક પરથી બહાર જવાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પોલીસ તહેનાત હતી. પોલીસને જોઈને અજયે લપાવા-છૂપાવાનો પ્રયાસ કર્યો હતો, જેથી પોલીસને તેના પર શંકા ગઈ હતી. પોલીસે તેને અટકાવીને તેની અંગઝડતી લેતા તેની કમરે છૂપાવેલી દેશી બનાવટની એક સેમિ ઑટોમેટિક પિસ્તોલ અને બે મેગઝીન મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે તેની પીઠ પર રહેલી વાદળી રંગની શૉલ્ડર બેગની તલાશી લેતા તેમાંથી વધુ 14 નંગ જીવતાં કારતૂસ મળી આવ્યાં હતાં. પોલીસે કુલ 16 જીવતા કારતૂસ અને પિસ્તોલ કબજે કરી આરોપીની અટકાયત કરી છે.

હથિયારની ડિલિવરી કરવા આવ્યો હોવાની આશંકા

રેલવે પોલીસે અજય નૈન સામે આર્મ્સ એક્ટની વિવિધ ધારાઓ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રેલવે પીઆઈ પી.આર. સોલંકીના જણાવ્યા અનુસાર, આરોપી સૈન્યમાં ફરજ બજાવતો હોવા છતાં આ ગેરકાયદે હથિયાર ક્યાંથી લાવ્યો તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આરોપી અજય ગાંધીધામમાં કોઈને આ પિસ્તોલનું વેચાણ કરવા અથવા તેની ડિલિવરી આપવા માટે આવ્યો હોવાની પ્રબળ આશંકા છે. જોકે, હાલમાં તે પોલીસ પૂછપરછમાં સહકાર આપી રહ્યો નથી. અજય આ હથિયાર ક્યાંથી અને કોની પાસેથી મેળવીને લાવ્યો હતો? તે આટલા મોટા પ્રમાણમાં કારતૂસ લઈને ગાંધીધામ શા માટે આવ્યો હતો? અને ગાંધીધામમાં તેનું લોકલ કનેક્શન કોણ છે? તે તમામ સવાલોના જવાબો મેળવવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

આ સમાચાર શેર કરો