રાજકુમાર જાટનો શંકાસ્પદ મોતનો મામલો: ગોંડલ પોલીસે કોની સામે ગુપચુપ કરી કાર્યવાહી, વિવાદ વધુ વકર્યો
ગોંડલમાં રહેતો અને UPSC તૈયારી કરતો મૂળ રાજસ્થાનનો રાજકુમાર જાટ ઘરેથી રહસ્યમય રીતે લાપત્તા બની ગયા

ગોંડલમાં રહેતો અને UPSC તૈયારી કરતો મૂળ રાજસ્થાનનો રાજકુમાર જાટ ઘરેથી રહસ્યમય રીતે લાપત્તા બની ગયા બાદ તેની રાજકોટ નજીકથી લાશ મળી હતી. રાજકોટ પોલીસે તેનું મોત ખાનગી ટ્રાવેલ્સની બસે હડફેટે લેતાં થયાનું જાહેર કરી દીધું છે. આમ છતાં આ મામલો શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો.
રતનલાલ જાટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેના પુત્ર સામે આક્ષેપો કર્યા
મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ સામે આક્ષેપો કર્યા છે. રાજસ્થાનના જાટ સમાજમાં પણ આ કેસને લઈ ભારે આક્રોશ છે. લોકસભામાં પણ આ મુદ્દો ઉછળી ચુકયો છે. રાજસ્થાનના અનેક ધારાસભ્યો અને સાંસદો આ કેસની સીબીઆઈ તપાસ કરે તેવી માંગણી કરી ચૂકયા છે.
મૃતકના પિતા રતનલાલ જાટે સ્થાનિક એટલે કે ગોંડલ પોલીસ સામે પણ અનેક આક્ષેપો કર્યા હતા. જે-તે વખતે તેણે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તે અને તેનો પુત્ર બાઈક ઉપર જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બંગલાની બહાર તહેનાત શખ્સો તેને અને તેના પુત્રને બંગલાની અંદર લઈ ગયા હતા અને તેના પુત્રને મારકૂટ કરી હતી.
પોલીસે ગુપચુપ રીતે જયરાજસિંહ જાડેજાના બંગલામાં હાજર અજાણ્યા શખ્સ સામે કેસ રજિસ્ટર કર્યો
ભારે વિવાદ સર્જનાર આ કેસમાં ગોંડલ પોલીસે હવે રતનલાલ જાટે આપેલા નિવેદનના આધારે ગુપચુપ રીતે જયરાજસિંહ જાડેજાના બંગલામાં હાજર અજાણ્યા શખ્સ સામે એનસી કેસ રજિસ્ટર કર્યો છે. જે મુજબ મૃતક રાજકુમારને બંગલામાં હાજર એક અજાણ્યા શખ્સે તમાચો ઝીકી દીધો હતો. ગોંડલ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે રતનલાલે તમાચો ઝીંકનાર શખ્સને પોતે ઓળખતા નહીં હોવાનું કહ્યું હતું. જેથી અજાણ્યા શખ્સ સામે એનસી કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે








