‘સહાય’ મળી જશે પણ ‘સુરક્ષા’ નહીં! દુર્ઘટનાઓ બાદ નેતાઓ તો પહોંચ્યા પણ ન્યાયની હજુ લોકો રાહ જોઈ રહ્યા છે…
મોત બાદ મંત્રીઓ તો પહોંચે છે, પણ ન્યાય નહીં! ભોળા નાગરિકો ભૂલી

મોત બાદ મંત્રીઓ તો પહોંચે છે, પણ ન્યાય નહીં!
ભોળા નાગરિકો ભૂલી જશે, પણ કુદરત એક દિવસ આ બધાનો હિસાબ માંડશે
Rajkot Gamezone Fire : સુરત, મોરબી, વડોદરા અને રાજકોટ જેવી દુર્ઘટનાઓ બની પણ કેટલાક અંશે બેદરકારીની સ્થિતિ હજુ પણ ઠેરની ઠેર છે એમ કહી શકાય. રાજકોટમાં જે ઘટના બની તે ખુબ જ ગંભીર બાબત હતી. આટલી દૂર્ઘટનાઓ બની છતા તેમાંથી સરકારે બોધપાઠ લીધો નથી.જો ખરેખર લીધો હોત તો સહાય નામનો મલમ ભોગ બનેલા લોકોના પરિવારજનોને ન ચોપડવો પડ્યો હોત.
આ ગુજરાત કોણે બનાવ્યું છે?
રાજકોટના TRP ગેમ ઝોનમાં જે આગકાંડ બન્યો ત્યાર બાદ તંત્રએ જાણે લોકોના જીવની કેટલીયે પરવા કરતું હોય તેમ ઠેર-ઠેર ગેમઝોન અને આનંદમેળા સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું અને ઘણી જગ્યાએ સુરક્ષાની લાપરવાહી જોવા મળતા ગેમઝોન બંધ પણ કરાવ્યા. ત્યારે સવાલ એ થાય છે કે, દરેક બાબતોમાં ચેકીંગ અને સેફટી નિયમન તમને હંમેશા ઘટના બન્યા બાદ જ કેમ યાદ આવે છે? હંમેશા ઘોડા છૂટ્યા બાદ જ તબેલે તાળા મારવામાં આવે એવું ગુજરાત કોણે બનાવ્યું છે? એક જ દિવસમાં આટલી મોટી કાર્યવાહી કરવામા આવી તો અત્યાર સુધી શું સરકાર ઉંઘતી હતી?
તમે શું ધૂળ ને ઢેખાળા વિકાસ કર્યો?
સુરતમાં બાળકો સુધી સિડી ન પહોંચી શકી અને હરણીમાં લાઈફ જેકેટ અપૂરતા હતા? જો બધે આવી જ સ્થિતિ હોય તો તમે શું ધૂળ ને ઢેખાળા વિકાસ કર્યો? આ રીતે વિશ્વગુરુ બનીશું આપણે? આ દુર્ઘટનાઓ બન્યા બાદ ઠેર-ઠેર જે કાર્યવાહી કરવામા આવે છે એ લોલમલોલ ચાલતા તમારા રેઢીયાળ તંત્રનો પુરાવો છે. એક બાદ એક દુર્ઘટનાઓ બની છતા તંત્રએ બોધપાઠ લીધો નથી, નહીંતર આ પ્રકારની ઘટનાઓ યથાવત ન હોત.
હજુ પણ આવા ઘણા સ્થળોએ તપાસની જરુર
રાજકોટ સહિત અગાઉની દુર્ઘટનાઓ બની ત્યાર બાદ નેતાજીઓ તો સમયસર પહોંચી ગયા, પણ જો અગમચેતીના ભાગરુપે તમારા જ અધિકારીઓએ સુરક્ષાની બાબતમાં ઢીલ ન મુકી હોત તો તમારે પોતાના વ્હાલસોયાને ગુમાવનારા પરિવારજનોને સહાયનો મલમ ચોપડવા ન જવો પડ્યો હોત. દુર્ઘટના બાદ લોકોની લાગણી સાથે જોડાવાનો ઢોંગ બંધ કરવો જોઈએ અને રાજકોટની ઘટના બાદ સરકારે એવો એક્શન પ્લાન ઘડવો જોઈએ જેથી આગામી સમયમાં 'વિકાસલક્ષી બેદરકારી'ના કારણે લોકોએ પોતાનો જીવ ન ગુમાવવો પડે. રાજ્યમાં હજુ પણ એવા ઘણા ગેમિંગ ઝોન, સિનેમાહોલ, સ્કૂલો, ટ્યૂશન ક્લાસિસો સહિત ફરવા લાયક સ્થળોએ લોકોની સુરક્ષાને લગતી બેદરકારીઓ હશે, જેને તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લઈ તેનું નિવારણ લાવવું જોઈએ.
ગુજરાતની આ મોટી ઘટનાઓ ક્યારેય નહીં ભૂલાય
મે 2019, તક્ષશિલા -સુરત
ચાર વર્ષ પહેલા અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોના મોત થયા હતા
ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હૉસ્પિટલમાં આગ લાગતા 15 લોકોના મોત થયા હતા
તક્ષશિલા કાંડ સુરતથી TRP ગેમિંગ ઝોન રાજકોટ સુધી અનેકવાર ગંભીર અકસ્માત સર્જાયા છે અને અનેક પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, આ લોકોને ન્યાય ક્યારે મળશે? તંત્ર ક્યાં સુધી આંખ આડા કાન કરશે? ક્યાં સુધી આમ ને આમ નિર્દોષોના જીવ જશે? શું તંત્ ને જવાબદારીનું ભાન થશે અને યોગ્ય કાર્યવાહી કરશે ખરા?








