સુરતમાં કોરોના પછી ખાનગી શાળાનો મોહ છૂટ્યો, 5 વર્ષમાં 48778 વિદ્યાર્થીઓએ સમિતિની સ્કૂલમાં લીધો પ્રવેશ
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર નીચું ગયા હોવાના આક્ષેપની વચ

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર નીચું ગયા હોવાના આક્ષેપની વચ્ચે ખાનગી શાળામાંથી સમિતિની શાળામાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ સમિતિની સ્કૂલમાં 48778 વિદ્યાર્થીઓએ ખાનગી સ્સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે. તેમાં પણ કોરોના કાળ દરમિયાન સૌથી વધુ 13673 બાળકોએ ખાનગી સ્કૂલ છોડીને પાલિકાની સ્કૂલમાં પ્રવેશ લીધો હતો. ખાનગી શાળામાંથી અભ્યાસ છોડીને પાલિકાની શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે અને તેના કારણે સમિતિના વિદ્યાર્થીઓનો આંકડો પણ 1.90 લાખ સુધી પહોંચી ગયો છે. સતત વધતી સંખ્યા હોવાના કારણે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે કે સમિતિના શિક્ષણનું સ્તર સુધર્યું છે. તેવી ચર્ચા શરુ થઈ રહી છે.
શિક્ષણ થયું મોંઘુ
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આમ તો વિવાદનું ઘર છે પરંતુ છેલ્લા કેટલાક વખતથી સમિતિના શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે આ ઉપરાંત હાલમાં વધતી જતી મોંઘવારી અને તેમાં પણ ખાનગી શાળાઓમાં શિક્ષણ ઘણું જ મોંઘુ થઈ રહ્યું હોવાથી મધ્યમ વર્ગમાં પણ ખાનગી શાળાનો મોહ ઓછો થઈ રહ્યો છે. તેના પરિણામે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટ વચ્ચે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
1.90 લાખ વિદ્યાર્થી
હાલમાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 1.90 લાખ ને પાર કરી ગઈ છે. મોટા ભાગની શાળાઓમાં હાઉસ ફુલ જેવી હાલત છે આ સંખ્યા વધવા પાછળનું કારણ ખાનગી શાળામાં અભ્યાસક્રમ છોડીને અનેક વિદ્યાર્થીઓ પાલિકાની શાળામાં એડમિશન લઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોવામાં આવે તો ખાનગી શાળામાંથી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 48778 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોવામાં આવે તો કોરોના કાળ પછી સૌથી વધુ એટલે કે વર્ષ 2021- 22માં 13676 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી પ્રવેશ લીધો હતો. કોરોના કાળ દરમિયાન અનેક લોકોના નોકરી ધંધા બંધ થઈ ગયા હતા તેના કારણે ફી ભરવી પણ પોસાય તેમ ન હોવાથી અનેક વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી પાલિકાની શાળામાં એડમિશન લેવડાવ્યું હતું.








