Surat: 5 વર્ષથી વોન્ટેડ આરોપી પકડાયો, સાથે બાળકના અપહરણ કેસનું ઉકેલ્યું રહસ્ય, ઉધના પોલીસની સફળતા
સુરત શહેરની ઉધના પોલીસે ગુનાખોરી પર લગામ કસવા માટે બે મહત્ત્વપૂર્ણ કામગીરી પ

સુરત શહેરની ઉધના પોલીસે ગુનાખોરી પર લગામ કસવા માટે બે મહત્ત્વપૂર્ણ કામગીરી પાર પાડી છે. એક તરફ, દારૂબંધી અને હત્યાના પ્રયાસ જેવા 14 ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ, 3 વર્ષના બાળકના અપહરણ કેસમાં આરોપીનું ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે.
પ્રોહીબિશન અને હત્યાના પ્રયાસનો આરોપી અમદાવાદથી ઝડપાયો
ઉધના પોલીસે લાંબા સમયથી નાસતા ફરતા આરોપી રોનક મિસરીમલ કોઠારીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી વિરુદ્ધ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં દારૂનો જથ્થો અને હત્યાના પ્રયાસ સહિત કુલ 14 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ પકડથી બચવા માટે તે છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો. ઉધના પોલીસે તેને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
3 વર્ષના બાળકનું અપહરણ: આરોપીનું રીકન્સ્ટ્રક્શન
બીજી મોટી કાર્યવાહી ઉધના વિસ્તારમાં બનેલા 3 વર્ષના બાળકનાં અપહરણ મામલે કરવામાં આવી છે. ઉધના પોલીસે આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખનું રાત્રે ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું.
પોલીસ આરોપીને બનાવ સ્થળે લઈ ગઈ હતી જ્યાં તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, આરોપીને જાહેરમાં જોવા માટે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, આરોપીએ બાળકના વાળ લાંબા હોવાથી તેને બાળકી સમજીને અપહરણ કર્યું હતું.







