Surendranagar: સાયલા ગોસળ ગામ નજીક ગમખ્વાર અકસ્માત, કાર અને બાઇક અથડાતા મહારાષ્ટ્રના યુવાનનું કરુણ મોત
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગોસળ ગામ નજીક આજે કાર અને બાઇક વચ્ચે એક ગમખ્વાર માર્

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગોસળ ગામ નજીક આજે કાર અને બાઇક વચ્ચે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.
કારની એરબેગ ખુલી, યુવાનને ગંભીર હેમરેજ
અકસ્માત એટલો ભયંકર હતો કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અને અથડામણના કારણે કારની તમામ એરબેગ્સ (Airbags) ખુલી ગઈ હતી.
અકસ્માતમાં બાઇક ચાલક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. યુવાનને હેમરેજ જેવી ગંભીર ઈજાઓ જણાતા તેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યે તેને ત્યાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.
પોલીસે મૃતકના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડના આધારે તેની ઓળખ કરી હતી, જેમાં જાણવા મળ્યું કે બાઇક ચાલક યુવાન મૂળ મહારાષ્ટ્રના અમરાવતીનો વતની હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






