સાયલા-ચોટીલા હાઈવે પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: માતાજીના દર્શને જતાં એક જ પરિવારના 5 સભ્યો ઘાયલ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આવેલા આયા ગામના પાટિયા પાસે આજે એક ગમખ્વાર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આવેલા આયા ગામના પાટિયા પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની રિક્ષા અને એક કાર વચ્ચે થયેલી ટક્કરમાં 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
મંદિરે જતી વખતે નડ્યો કાળ
મળતી માહિતી મુજબ, રાતાવીડા ગામના એક જ પરિવારના 5 સભ્યો રિક્ષામાં સવાર થઈને માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન આયા ગામના બ્રિજ પાસે એક કાર અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષામાં સવાર તમામ લોકો ફંગોળાયા હતા. પ્રાથમિક અનુમાન મુજબ, કાર સુરેન્દ્રનગરના એક નામાંકિત ડોક્ટરની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તાત્કાલિક સારવાર અને હાઈવેની સમસ્યા
ઘટનાની જાણ થતા જ ડોળીયા 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સાયલા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. જે પૈકી 3 લોકોની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સાયલા-ચોટીલા હાઈવે પર અનેક જગ્યાએ લોકોએ પોતાની સુવિધા માટે ડિવાઇડર તોડીને રસ્તા બનાવ્યા છે, જેના કારણે વારંવાર આવા ગંભીર અકસ્માતો સર્જાય છે.








