નડિયાદમાં ACBનો સપાટો: SC/ST સેલના ASI જયદીપ સોઢા લાંચ લેતા ઝડપાયા, ખેડા પોલીસ બેડામાં ફફડાટ
ખેડા જિલ્લા પોલીસ બેડામાં ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો

ખેડા જિલ્લા પોલીસ બેડામાં ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ એક મોટી કાર્યવાહી કરીને સપાટો બોલાવ્યો છે. નડિયાદમાં ACB દ્વારા કરવામાં આવેલી રેડમાં SC/ST સેલના એક આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) જયદીપ સોઢા ₹ 4 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. આ ઘટનાને પગલે ખેડા જિલ્લા પોલીસમાં ફફડાટ વ્યાપી ગયો છે.
એટ્રોસિટી કેસમાં જેલ ન ધકેલવા માટે લાંચ
ACB સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ASI જયદીપ સોઢાએ એક એટ્રોસિટી (SC/ST એક્ટ)ની ફરિયાદના આરોપીઓને મદદ કરવા માટે આ લાંચ માંગી હતી. સોઢાએ આરોપીઓને જેલમાં ન ધકેલવા અને નોટિસ આપીને જવા દેવા ના બદલામાં ફરિયાદી પાસે ₹ 4 લાખની લાંચની માંગણી કરી હતી.
સરકારી કચેરી પરિસરમાં જ ટ્રેપ
લાંચની રકમ સ્વીકારતી વખતે ASI જયદીપ સોઢાને ACBએ નડિયાદ સ્થિત કચેરીના પરિસરમાં જ તેમની કારમાં ટ્રેપ ગોઠવીને ઝડપી પાડ્યા હતા. ACBની ટીમે ASI જયદીપ સોઢા પાસેથી રોકડા ₹ 4 લાખ જપ્ત કર્યા છે અને તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.








