Kheda: બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બે કર્મચારીઓએ મટિરિયલની કરી ચોરી
ભારતનો મહત્ત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફરી એકવાર ચોરીની ઘટનાને કારણે ચર્ચામા

ભારતનો મહત્ત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ફરી એકવાર ચોરીની ઘટનાને કારણે ચર્ચામાં આવ્યો છે. નડીઆદ નજીક પીપલગ ખાતે આવેલા પ્રોજેક્ટના પ્લાન્ટમાં કામ કરતા બે કર્મચારીઓએ જ સાત મહિનાના ગાળામાં રૂપિયા 7.39 લાખની કિંમતના કિંમતી સામાનની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીઓ આ જ પ્લાન્ટમાં કામ કરતા હતા. તેમણે પ્રોજેક્ટના યાર્ડમાં મૂકેલા લોખંડના સળિયા, ક્રશર પ્લેટ, પાઇપ, ફોર કોર વાયર અને ચોપશા મશીન સહિતનો મોટો જથ્થો તબક્કાવાર ચોરી લીધો હતો.
વોચ ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા
પ્લાન્ટના સિક્યુરિટી સુપરવાઇઝરને લાંબા સમયથી મટિરિયલની ચોરી થતી હોવાની શંકા જતાં તેમણે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન જ ચોરી કરનારા બંને આરોપીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
પકડાયેલા આરોપીઓ ધર્મેન્દ્ર અને જગદીશસિંગે કબૂલાત કરી હતી કે તેઓ ચોરી કરેલો આ તમામ સામાન નડીયાદના એક ભંગારવાળાને વેચી દેતા હતા. ચોંકાવનારી વાત એ છે કે, ભંગારવાળો ચોરીના સામાનના બદલામાં રૂપિયા તેઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો.
આ કબૂલાત બાદ નડીયાદ રૂરલ પોલીસે બંને આરોપીઓ ધર્મેન્દ્ર અને જગદીશસિંગ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં નડીયાદ કોર્ટે બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.








