VALSAD : પોલીસે વેશપલટો કર્યો, મજૂર બન્યા અને અપહૃત કિશોરીને પંજાબમાંથી હેમખેમ છોડાવી, જાણો વિગત
Valsad news : વલસાડમાં એક કિશોરીના અપહરણ બાદ પોલીસે અપહરણનો ભોગ બનેલી કિશોરીને છેક લુધિયાણાથી અપહ

Valsad news : વલસાડમાં એક કિશોરીના અપહરણ બાદ પોલીસે અપહરણનો ભોગ બનેલી કિશોરીને છેક લુધિયાણાથી અપહરણકર્તાની ચુંગાલ માંથી મુક્ત કરાવી તેના પરિવારને સોંપી છે. પરંતુ આરોપી સુધી પહોંચવા વલસાડ સીટી પોલીસના જવાનો અને અધિકારીઓએ સિંઘમ સ્ટાઈલમાં આરોપીનો ત્રણ રાજ્યોમાં પીછો કર્યો હતો. ત્યારબાદ તેને ફિલ્મી ઢબે ઝડપીને સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે આરોપીને ઝડપવા વલસાડ પોલીસના જવાનોએ જે કામગીરી કરી તે કાબિલેદાદ છે. જાણો શું હતી આખી ઘટના અને અપહરણના આરોપીને ઝડપવા વલસાડ પોલીસના જવાનો, અધિકારીઓએ કેવા પડકારો અને મુશ્કેલીનો સામનો કરી બહાદુરીપૂર્વક આરોપીને દબોચ્યો.
તિથલ રોડ વિસ્તારમાંથી કિશોરીનું અપહરણ થયું હતું
વલસાડ શહેરના તિથલ રોડ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક કિશોરીનું અપહરણ થયું હતું. શહેરની એક જાણીતી સ્કૂલમાં અભ્યાસ કરતી કિશોરીના અપહરણની ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસ એક્ટિવ થઈ હતી. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ.કરણરાજ વાઘેલાએ ગંભીરતાથી લઈ કિશોરીને મુક્ત કરાવવા જિલ્લાના પોલીસ અધિકારીઓની એક વિશેષ ટીમ બનાવી હતી. વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ પરમારની આગેવાનીમાં સીટી પોલીસના જવાનોની ટીમે કિશોરીના અપહરણ કેસની તપાસ કરી હતી.
આરોપી કિશોરીને લઈને રાજસ્થાન અને ત્યાંથી પંજાબ ભાગ્યો
તપાસ કરતા મૂળ ઉત્તરપ્રદેશના પરંતુ સુરતમાં રહેતા રોહિત માતાપ્રસાદ શર્મા ઉર્ફે રોહિત પંડિત નામના એક યુવકે આ કિશોરીનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે રોહિત પંડિત સુધી પહોંચવા તપાસ કરતા કિશોરીનું અપહરણ કરી આરોપી રાજસ્થાનની ટ્રેનમાં બેસી ગયો હોવાનું જાણવા મળતા જ વલસાડ સીટી પોલીસની ટીમ આરોપીનો પીછો કરી રાજસ્થાન પહોંચી હતી.પણ રાજસ્થાનમાં આરોપી હાથે લાગ્યો ન હતો. આથી આખરે આરોપી રોહિત પંડીતના મૂળ વતન ઉત્તરપ્રદેશમાં પોલીસની ટીમ પહોંચી હતી. પરંતુ ત્યાં પણ આરોપી નહીં મળતા આખરે પંજાબના લુધિયાણાથી આરોપી રોહિત પંડિતને દબોચી કિશોરીને હેમ ખેમ છોડાવી તેના પરિવારને પરત કરી છે.
આરોપી સુધી પહોંચવા વલસાડ પોલીસે ની ટીમે કરીને આ કાબેલીદાદ કામગીરી ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર આપે તેવી છે. આરોપી સુધી પહોંચવા પોલીસ પાસે તેની કોઈ વિગત ન હતી. આખરે જાણવા મળ્યું કે આરોપી ઓનલાઇન એમપીએલ નામની ઓનલાઇન ગેમનો આદી હતો. આથી આરોપીનું કોઈ બેંક એકાઉન્ટ હોઈ શકે આવી માહિતીના આધારે વલસાડ પોલીસે દેશની અસંખ્ય બેંકોમાં આરોપીના એકાઉન્ટ ખોલવા અંગેની તપાસ કરાવી હતી. તપાસ બાદ બેંકમાં થયેલા વ્યવહાર પરથી પોલીસને આરોપી લુધિયાણા હોવાની બાકી મળી હતી. ત્યારબાદ વલસાડ સીટી પોલીસની ટીમ લુધિયાણા પહોંચી અને આરોપીને દબોચી વલસાડ લાવી અને સળિયા પાછળ ધકેલી દીધો હતો.
લુધિયાણા શહેરમાંથી આરોપીને શોધવો પડકારજનક હતું
શરૂઆતથી જ કિશોરીના અપહરણના આ મામલોને પોલીસે ગંભીરતાથી લીધો હતો. કિશોરી સાથે કંઈ પણ થઈ શકે તેમ હતું. આથી વલસાડ સીટી પોલીસની ટીમ આરોપીને શોધવા ત્રણ ત્રણ રાજ્યોમાં તપાસ કરી હતી. સાથે જ ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પંજાબના વિવિધ શહેરોના 150થી વધુ જગ્યાના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આરોપી લુધિયાણા હોવાનું પોલીસને જાણ થઈ હતી. પરંતુ આટલા મોટા શહેરમાં આરોપી સુધી કોઈપણ જાતની માહિતી વિના કેવી રીતે પહોંચવું તે પણ પોલીસ માટે એક પડકાર હતો. પરંતુ તેમ છતાં વલસાડ પોલીસ સીટી પોલીસના જવાનો અને અધિકારીઓની કાબિલેદાદ કામગીરીને કારણે આ અજાણ્યા શહેરમાંથી પણ પોલીસે કિશોરીને હેમખેમ છોડાવી હતી.
પોલીસે વેશપલટો કર્યો, મજૂર બન્યા
આરોપી સુધી પહોંચવા વલસાડ પોલીસના જવાનો લુધિયાણામાં ઘણા દિવસો સુધી વેશપલટો કરી ફર્યા હતા. ત્યારબાદ આરોપી જે તે વિસ્તારમાં હોઈ શકે તેવા વિસ્તારોમાં આઈસ્ક્રીમની લારી લઈને પોલીસના જવાનો ફર્યા હતા.સાથે જ થોડી હિંટ મળતા લુધિયાણા ઔદ્યોગિક વિસ્તારની 25 જેટલી કંપનીઓમાંથી કોઈ કંપનીમાં આરોપી કામ કરતો હોય તેવી માહિતી મળતા પોલીસે આરોપીને કંપનીમાંથી આરોપીને શોધવા આવી કંપનીઓમાં મજૂરી કામ પણ કર્યું હતું. વધુ વિગત મળતા પોલીસ જવાનો લુધિયાણાના અને આસપાસના વિસ્તારમાં ચૂંટણીકાર્ડ બનાવવાના સર્વેની કામગીરીના બહાને તેઓ ઘરે-ઘરે ફર્યા હતા અને 50થી વધુ ઘરોમાં સર્વે કરી આખરે કિશોરી અને આરોપીનો ઓળખ થતા આરોપીને દબોચી કિશોરીને હેમખેમ બચાવી હતી.








