Dahod news: કાર ખરીદવાની જીદ કરતા યુવકની હત્યા કરી સળગાવી દેવાયો, હત્યારા સગાભાઈ સહિત બે દબોચાયા
દાહોદ જિલ્લામાં 4 દિવસ પહેલા સળગેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પોલીસે

દાહોદ જિલ્લામાં 4 દિવસ પહેલા સળગેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. જે મામલે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. અર્ટિકા કાર લેવાની જીદે ચડેલા ભાઈને સગા ભાઈએ જ મિત્રો સાથે મળી ગળું દબાવી પતાવી દીધો હતો. જે બાદ મૃતદેહને આખી રાત સુધી અલ્ટો ગાડીમાં રાખ્યો હતો અને બીજા દિવસે પેટ્રોલ છાંટીને મૃતદેહને સળગાવી નાખ્યો હતો. જે મામલે પોલીસે સગાભાઈ સહિત બે આરોપીને ઝડપી પાડ્યા છે.
સગાભાઈ પર શંકા જતા કડક પૂછપરછ કરાઇ
ગત તારીખ 12/12/2025ના રોજ સંજેલી તાલુકાના હિરોલા ગામે આવેલા બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રંગલી ઘાટીમાં વહેલી સવારે એક અજાણ્યા પુરુષનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. તપાસ કરતા મરણ જનાર વ્યક્તિ રોયલ કીર્તન લબાના મૂળ રહેવાસી કારઠ અને હાલ ગોદી રોડ દાહોદ હોવાનું સામે આવ્યું હતું. પોલીસને તેના સગાભાઈ અક્ષય લબાના પર શંકા જતા તેની કડક પૂછપરછ કરાતા અક્ષય ભાંગી પડ્યો હતો અને તેણે ગુનાની કબૂલાત કરી હતી.
મૃતકે કાર લેવાની જીદ કરી હતી
મૃતક રોયલ લબાના જે મોજ શોખ કરનાર વ્યક્તિ હતો અને અવારનવાર ઘરમાં ઝઘડો કરતો હતો. હાલમાં થોડા દિવસથી મરણ જનાર ફોર વ્હીલર ગાડી લાવવાની જીદ કરી પોતાના વડીલો પાર્જીત કારઠ ગામનું ઘર વેચાણ કરવા માટે મજબૂર કરતો હતો. સગા નાના ભાઈના ઝઘડા કંકાસથી કંટાળી તેનાથી છુટકારો મેળવવા અને તેનું કાસળ કાઢી નાખવાના ઈરાદેથી અક્ષય પોતાના મિત્ર મોહમ્મદ તોસીફ અને અન્ય એક સાગરિત સાથે તેને મોતને ઘાટ ઉતારવા ષડયંત્ર બનાવ્યું હતું.
પુરાવાનો નાશ કરી આરોપીઓ પરત ઘરે જતા રહ્યા
ઈન્દોર હાઈવેથી ઝાલોદ બાયપાસ તરફના રસ્તા પર મૃતકને કારમાં ઊંઘ આવતા જ બંને સાગરિતો દ્વારા રોયલ લબાનાનુ ગળું દબાવી મોત તેની હત્યા કરી નાખી હતી અને મૃતદેહના નિકાલ અર્થે મોટોભાઈ અને તેનો અન્ય સાગરિત સાથે હીરોલા ખાતે મૃતદેહને ફેંકી જ્વલનશીલ પદાર્થ વડે લાશને સળગાવી દીધી હતી અને પુરાવાનો નાશ કરી આરોપીઓ પરત ઘરે જતા રહ્યા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. બનાવ અંગે હાલ પોલીસે મોટા ભાઈ અક્ષય લબાના અને તેના એક સાગરિત મોહમ્મદ તૌસીફની ધરપકડ કરી ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની ધરપકડ કરવાની કામગીરી હાથ ધરી છે.






