મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : યુવકના આપઘાતના એક વર્ષ બાદ મળી સ્યુસાઇડ નોટ અને વોટ્સએપ ચેટ, એકની ધરપકડ

Ahmedabad News : એક વર્ષ પહેલા અમદાવાદ શહેરના લાંભા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકર

AHMEDABAD : યુવકના આપઘાતના એક વર્ષ બાદ મળી સ્યુસાઇડ નોટ અને વોટ્સએપ ચેટ, એકની ધરપકડ

Ahmedabad News : એક વર્ષ પહેલા  અમદાવાદ શહેરના લાંભા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા દર્શન કાછીયા નામના યુવકે આત્મહત્યા કરી હતી. હિચકાના કડા સાથે દુપટ્ટો બાંધી યુવક દર્શન કાછીયાએ આપઘાત કર્યો હતો. અસલાલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો  નોંધી પ્રાથમિક તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં દર્શન આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. હવે એક વર્ષ બાદ સ્યુસાઇડ નોટ અને વોટ્સએપ ચેટ મળી આવતા પોલીસ સહિત સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા.

મૃતક દર્શનનો ફાઈલ ફોટો

ક્રેડિટ કાર્ડ તેમજ લોનનાં હપ્તા ભરી શક્યો ન હતો

દર્શનના આપઘાતની ઘટનાના એક વર્ષ બાદ જે તે સમએ રાખેલા તેના કપડાંમાંથી તેની બહેનને એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. દર્શને માતા-પિતાને સંબોધીને લખેલી આ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે પોતે ક્રેડિટ કાર્ડ તેમજ લોનનાં હપ્તા ભરી શક્યો ન હતો. આ સ્યુસાઇડ નોટમાં અન્ય એક વ્યક્તિને અપશબ્દ બોલી સંબોધન કરવામાં આવ્યું હતું અને તેના કારણે મારે પૈસા ભરાયા નહિ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરિવારે સમગ્ર હકીકત પોલીસને જણાવી હતી પોલીસે સ્યુસાઇડ નોટના આધારે પોલિસે તપાસ હાથ ધરી હતી. 

મૃતક દર્શનના મિત્ર લલિત ગુપ્તાની ધરપકડ

પોલીસ અને પરિવારજનોની વધુ તપાસ દરમિયાન મૃતક દર્શનનાં મોબાઈલમાંથી અમુક શંકાસ્પદ ચેટ મળી આવી. મોબાઇલમાંથી એક વ્યક્તિ સાથેની ચેટ મળી આવતા સ્યુસાઇડ નોટમાં નામ વગર ઉલ્લેખ કરવામાં આવેલા યુવકની ડિટેલ મોબાઈલમાંથી મળતા આખરે પોલીસે એક વર્ષ બાદ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આ વ્યક્તિની ધરપકડ કરી છે. 

તાંત્રિક વિદ્યા માટે લલિતે દર્શન પાસે 4થી 5 લાખ રૂપિયા પડાવ્યાં 

પોલીસે વધુ તપાસ કરતાં સામે આવ્યું કે મૃતક દર્શન એક યુવતી સાથે એક તરફથી પ્રેમમાં હતો, જોકે આ યુવતી દર્શનને પ્રેમ કરતી ન હતી. દર્શનના એક મિત્ર લલિત ગુપ્તાએ આ વાતનો ફાયદો ઉઠાવી દર્શન પાસેથી પૈસા પડાવવા માટે દર્શનને કહ્યું હતું કે પોતે યુવતીનું વશીકરણ કરી આપશે અને તે માટે તાંત્રિક વિદ્યા કરી આપશે. તાંત્રિક વિદ્યા માટે મિત્ર લલિત ગુપ્તાએ મૃતક દર્શન પાસેથી કટકે કટકે ચારથી પાંચ લાખ જેટલા રૂપિયા પણ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

તાંત્રિક વિદ્યા ન થઈ શકતા અને આ યુવતી દર્શનના પ્રેમમાં નહીં પડતા આખરે દર્શને સ્યુસાઇડ કર્યું હોવાનું સામે આવ્યું છે. મૃતક દર્શને તેના મિત્રને તાંત્રિક વિદ્યા માટે જે કટકે કટકે રૂપિયા આપ્યા હતા તે અલગ અલગ લોન તેમજ ક્રેડિટકાર્ડમાંથી રૂપિયા ઉપાડ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત દર્શન અને લલિતની whatsapp ચેટમાં અમુક મોર્ફ કરેલા ફોટો પણ મળી આવ્યા છે. જોકે દર્શનના સ્યુસાઇડ અને આ ફોટોને કોઈ લાગતું વળગતું નહીં હોવાનો પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 

લલિતની ભૂમિકા અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે

હાલ તો પોલીસે સ્યુસાઇડ નોટ અને મોબાઇલમાં મળી આવેલી ચેટનાં આધારે મૃતક દર્શનના મિત્ર લલિત ગુપ્તાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તાંત્રિક વિદ્યા તેમજ આર્થિક સંકડામણ અને યુવતીના પ્રેમમાં મળેલી નિષ્ફળતાને લઈને દર્શને આપઘાત કર્યો હતો. આ ઉપરાંત અન્ય કોઈ કારણ દર્શનનાં આપઘાત પાછળ જવાબદાર છે કે કેમ અને સમગ્ર કેસમાં લલિતની વધુ કઈ પ્રકારની ભૂમિકાઓ છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો