Vadodara news: સ્કૂલના જ વિદ્યાર્થીએ કર્યો હતો શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો મેઈલ, જાણો શા માટે રચ્યું આ કારસ્તાન
વડોદરાના અમિતનગર સર્કલ પાસે આવેલી બ્રાઇટ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પાછળ

વડોદરાના અમિતનગર સર્કલ પાસે આવેલી બ્રાઇટ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પાછળ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં આ ધમકી અન્ય કોઈએ નહીં પણ સ્કૂલના જ ધોરણ 5માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપી હોવાનું બહાર આવ્યું છે.બીજા દિવસે શાળામાં રજા જાહેર થાય તેવા આશયથી વિદ્યાર્થીએ આ બોમ્બ થ્રેટ મેલ સ્કૂલને મોકલ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. જોકે, સાયબર ક્રાઇમ અને સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા કંઈ પણ શંકાસ્પદ મળ્યું નહોતું અને હાલ પોલીસ દ્વારા આ મામલે વિદ્યાર્થીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પરીક્ષાઓ રદ કરાવવા કર્યો મેઈલ
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે વિદ્યાર્થીએ પરીક્ષાઓ રદ કરાવવા અને શાળામાં રજા જાહેર થાય તેવા આશયથી ઈ-મેઇલ મોકલ્યો હતો. સ્કૂલ સંચાલનને ધમકી મળ્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે બોમ્બ સ્ક્વોડ અને અન્ય એજન્સીઓ દ્વારા સ્કૂલ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા ટેક્નિકલ એનાલિસિસ કરવામાં આવતા ઈ-મેઇલ સ્કૂલના જ એક વિદ્યાર્થી દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.
પોલીસના ખુલાસા બાદ સ્થિતિ સામાન્ય
પોલીસે વિદ્યાર્થી અને તેના વાલીઓને બોલાવી સમગ્ર ઘટનાની સમજૂતી આપી હતી. કમિશનર નરસિંહા કોમારે સ્પષ્ટ જણાવ્યું છે કે આવા પ્રકારની ખોટી ધમકી આપનાર કોઈપણ વ્યક્તિ કે વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાને પગલે વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતા ફેલાઈ હતી, જોકે પોલીસના ખુલાસા બાદ સ્થિતિ સામાન્ય બની છે.






