રાજકારણમાં લોકપ્રિય ચહેરો, 34 વર્ષની ઉંમરે રીવાબા જાડેજાએ લીધા મંત્રી પદના શપથ
પહેલા રીવાબા જાડેજાને સૌ કોઈ ક્રિકેટર ર

પહેલા રીવાબા જાડેજાને સૌ કોઈ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની તરીકે જ ઓળખતા હતા, પણ જ્યારથી તેઓ ગુજરાત વિધાનસભા પહોંચ્યા ત્યારથી તેઓ રાજ્યના રાજકારણમાં એક નવો અને લોકપ્રિય ચહેરો બની ગયા છે. તેમનો મતવિસ્તાર જામનગર ઉત્તર છે. તેમના પરિવારની સંપત્તિ 97.36 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે, જેના દ્વારા તેઓ હાલ સૌથી નાની ઉંમરે પૈસાદર રાજ્યમંત્રી બન્યા, તેવું કહી શકાય છે.
રાજકીય કારકિર્દી: તેઓ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટાયા હતા. તેમણે તેમના નજીકના હરીફ આમ આદમી પાર્ટીના કરશનભાઈને 53 હજારથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. રીવાબાને 88,835 મત મળ્યા હતા, જ્યારે કરશનભાઈને 35,265 મત મળ્યા હતા. રીવાબા જાડેજાનો વિજય પ્રભાવશાળી હતો, કારણ કે તેમણે પહેલા જ પ્રયાસમાં વિધાનસભાની ચૂંટણી જીતવામાં સફળતા મેળવી હતી. રીવાબા લાંબા સમયથી ભાજપ સાથે સંકળાયેલ છે.
શિક્ષણ: તેમણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU), અમદાવાદમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક (Bachelor of Engineering) ની ડિગ્રી મેળવી છે.
પિતા-માતા: તેમના પિતા હરદેવ સિંહ સોલંકી એક જાણીતા ઉદ્યોગપતિ છે અને લાંબા સમયથી સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે, જ્યારે માતાનું નામ પ્રફુલ્લબા સોલંકી છે.
સામાજિક કાર્ય: તેઓ માત્ર રાજકારણી જ નહીં, પણ એક સક્રિય સામાજિક કાર્યકર પણ છે. તેમણે મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યથી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ નામનું એક NGO શરૂ કર્યું છે, જેના દ્વારા તેઓ સામાન્ય નાગરિકની જેમ મહિલાઓની સેવા અને મદદ માટે હંમેશા તત્પર રહે છે. રીવાબા જાડેજા પોતાની સંસ્કૃતિ અને સંસ્કારોને વળગી રહેવા માટે જાણીતા છે. મોટાભાગના પ્રસંગોમાં તેમને સાડીમાં જોઈ શકાય છે. રીવાબા ઘણીવાર ગામડાઓની મુલાકાત લે છે, મહિલાઓને મળે છે અને સેનિટરી નેપકિનનું વિતરણ કરે છે. તેમણે પોસ્ટ ઓફિસમાં છોકરીઓ માટે સરકારી બચત યોજના 'સુકન્યા સમૃદ્ધિ યોજના' હેઠળ ખાતા ખોલાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પહેલ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પ્રશંસા પણ કરી હતી.
કરણી સેનાના સભ્ય: તેઓ કરણી સેનાના સભ્ય પણ રહી ચૂક્યા છે. વર્ષ 2018માં જ્યારે પ્રસિદ્ધ ફિલ્મ 'પદ્માવત' નો કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે રીવાબા જાડેજાએ આ વિરોધનો અવાજ બનીને મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના બાદ જ તેમને કરણી સેનાની મહિલા વિંગના વડા બનાવવામાં આવ્યા હતા.
ભાજપમાં પ્રવેશ: રીવાબાએ રાજકારણમાં પ્રવેશ વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈને કર્યો હતો. તેમના ઘરમાં બાળપણથી જ રાજકારણનું વાતાવરણ રહ્યું હોવાથી, તેઓ પહેલેથી જ સેવાભાવી સ્વભાવના રહ્યા છે. તેમના કાકા હરિસિંહ સોલંકી પણ કોંગ્રેસના નેતા રહી ચૂક્યા હતા, જેઓ પાછળથી ભાજપમાં જોડાયા હતા.
વૈવાહિક જીવન
રીવાબાએ વર્ષ 2016માં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. એક ફેમિલી ફંકશનમાં જાડેજાના બહેને રીવાબાને જોયા બાદ પરિવાર દ્વારા આ સંબંધ નક્કી કરવામાં આવ્યો હતો. આ દંપતીને હાલમાં એક પુત્રી છે. રીવાબા જાડેજાએ હંમેશા પોતાના સંસ્કાર અને સંસ્કૃતિને જાળવી રાખી છે અને તેઓ અનેક મેચો દરમિયાન રવીન્દ્ર જાડેજા સાથે સ્ટેડિયમમાં જોવા મળે છે.








