રાજકોટ: સ્વામિનારાયણ સંપ્રદાયના 4 સ્વામી સહિતની ટોળકીએ ત્રણ કરોડની કરી ઠગાઈ
સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિતની ટોળકીએ મંદિર અને ગૌશાળા બનાવવાના નામે જમીન ખરીદ

સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિતની ટોળકીએ મંદિર અને ગૌશાળા બનાવવાના નામે જમીન ખરીદવાની વાત કરી રાજકોટના જમીન-મકાનના ધંધાર્થી સાથે રૂા. 3.04 કરોડની છેતરપીંડી કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેની તપાસ ઈઓડબલ્યુને સોંપવામાં આવી છે. જોકે પોલીસ હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ કરી શકી નથી.
સંપ્રદાયના ચાર સ્વામી સહિતની ટોળકીએ ઠગાઈ આચરી
નવલનગર શેરી નં.૩માં રહેતાં જસ્મીનભાઈ બાલાશંકરભાઈ માઢક (ઉ.વ. 45) ભક્તિનગર સર્કલના મેઘાણી રંગભવનના પહેલા માળે મિત્ર જય કિશોરભાઈ મોલીયા સાથે ભાગીદારીમાં જમીન લે-વેચનું કામ કરે છે. તેમણે પોલીસને જણાવ્યું કે બે વર્ષ પહેલાં સુરતમાં સેકન્ડ હેન્ડ કાર લેવા જતાં ઓટો બ્રોકર સુરેશ તુલસીભાઈ ઘોરી સાથે મુલાકાત થઈ હતી. તે વખતે તેણે પોતે જમીનની દલાલીનું કામ પણ કરતા હોવાનું કહ્યું હતું.
બે દિવસ પછી તે અને જય આણંદ ગયા હતા. જયાં સુરેશનો સંપર્ક કરી તેની સાથે સીધેશ્વર ગૌશાળાએ ગયા હતા. જયાં ફરીથી ચારેય સ્વામીઓ સાથે મુલાકાત થતાં તેને જમીનના સોદાની વાત કરી હતી.
વિજયપ્રકાશ સ્વામીએ લાલજીભાઈ સાથે રૂા. 50 લાખ મોકલવાની વાત કરી
સુથી પેટે રૂા.૩ કરોડ આપવા પડશે તેવી વાત પણ કહેતાં વિજયપ્રકાશ સ્વામીએ લાલજીભાઈ સાથે રૂા. 50 લાખ મોકલવાની વાત કરી હતી. નક્કી થયા મુજબ સુરેશભાઈ બંને ખેડૂતોને લઈને તેની ઓફિસે આવ્યા હતા. જ્યાં તેમને રૂા. 2.50 લાખ ટોકન પેટે આપ્યા હતા. આ પછી તે અને જય બંનેના કોમન મિત્ર સંજય પરસાણા અને જયની પત્ની ધરતીબેન ખાતેદાર ખેડૂત હોવાથી તેની સાથે ખેડૂત ભૂપેન્દ્રભાઈના ઘરે પહોંચ્યા હતા. જયાં રાત રોકાયા બાદ બીજે દિવસે સાટાખત તૈયાર કરાવ્યું હતું. તે વખતે લાલજીએ રૂા. 50 લાખ આપ્યા હતા. બાકીની રકમ મળી કુલ રૂા. 3 કરોડ બંનેએ ખેડૂતોને ચુકવ્યા હતા. જેનું મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડીંગ પણ કર્યું હતું. તે વખતે બંને ખેડૂતોએ લીંબ ગામની સર્વેનંબરની અલગ-અલગ જમીન તેના અને ધરતીબેનના નામે નોટરાઈઝ કરી આપી હતી. જયાંથી સીધા આણંદની સીધેશ્વર ગૌશાળા ખાતે ગયા હતા.
દેવપ્રકાશ સ્વામીને અસલ સાટાખત બતાવતાં તેણે કહ્યું કે હું નૌતમ સ્વામીને બતાવીને આવું, ચાર-પાંચ દિવસ પછી તમને અસલ સાટાખત અને રોકાણ કરેલી રકમ પાછી આપી દેશું તેમ કહ્યું હતું. જેથી તેને સાટાખત આપી રાજકોટ આવી ગયા હતા. તેના ત્રણ-ચાર દિવસ પછી સુરેશના કહેવાથી આણંદની સીધેશ્વર ગૌશાળામાં દેવપ્રકાશ અને વિજયપ્રકાશ સ્વામીને મળતા બંનેએ કહ્યું કે વડતાલ મંદિરેથી બધું ફાઈનલ થઈ ગયું છે તેમ કહી અસલ સાટાખત આપી દીધું હતું. સાથોસાથ કહ્યું કે કેનેડાના દાતા હાલ દુબઈ છે. જેથી તેમની સાથે કોન્ટ્રાકટ કરવાનો છે તેમ કહી બંનેને પણ દુબઈ આવવાનું કહેતાં ગઈ તા.13-2-2024 ના રોજ દુબઈ પહોંચ્યા હતા. જયાં દેવપ્રકાશ સ્વામી અને લાલજીભાઈ મળ્યા હતા. એટલું જ નહીં બંનેએ બે દાતાઓની પણ ઓળખાણ કરાવી હતી. જેમાંથી એકનું નામ આનંદજી હતું. બંને દાતાઓએ ત્રણ કટકે જમીન લેવા માટેની રકમ મંદિરના બેન્ક ખાતામાં જમા કરાવવાની વાત કરી કહ્યું કે જેમ-જેમ દસ્તાવેજ થાય તેમ તેની કોપી અમને મોકલી આપજો, એટલે અમે રકમ મંદિરના બેન્ક ખાતામાં મોકલી આપશું..
ત્રણ-ચાર દિવસે તેના ભાગીદાર જયે વિજયપ્રકાશ અને દેવપ્રકાશ સ્વામીને પેમેન્ટ કયારે પાછું મળશે તેવું પૂછતાં બંનેએ બહાના બતાવ્યા હતા. આ દરમિયાન ખેડૂત ભૂપેન્દ્રએ જયને કોલ કરી રૂા. 1 કરોડની માગણી કરી હતી. જેથી જયે આ વાત લાલજીભાઈને કરતાં તેણે કહ્યું કે હું સ્વામી સાથે વાત કરીને કહું છું. બાદમાં તેણે સ્વામી હાલ રૂા. 20 લાખ સુરેશ સાથે ખેડૂતને મોકલાવી દેશે, જ્યારે બીજી રકમ હાલ તમારે દેવી પડશે તેમ કહેતાં તેણે રૂા.પપ લાખ આંગડીયા મારફત ભૂપેન્દ્રને મોકલી દીધા હતા. જમીનના સોદામાં જે રોકાણ કર્યું હતું તે રકમ પરત આપવા માટે અવાર-નવાર માગણી કરતાં આરોપીઓ બહાના બતાવતા હતા. આખરે તેમને જાણવા મળ્યું હતું કે આણંદમાં સ્વામિનારાયણ મંદિરના બહાને સુરતના તબીબ સાથે રૂા. 1.34 કરોડની ઠગાઈ થઈ છે, જેમાં આરોપી તરીકે સુરેશભાઈ અને જયપ્રકાશ સ્વામીનું નામ હતું. પરિણામે પરિસ્થિતિ પામી જતાં જે.કે સ્વામી,વી.પી સ્વામી, એમ.પી.સ્વામી , દેવપ્રકાશ સ્વામી, ઉપરાંત લાલજીભાઈ, સુરેશભાઈ, ભૂપેન્દ્ર અને વિજયસિંહ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.








